બનાસકાંઠામાં 17 મેથી વસ્તી ગણતરીનો પ્રારંભ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક, નાગરિકો 'સેલ્ફ એન્યુમરેશન' પોર્ટલ પર જાતે નોંધણી કરી શકશે
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-2027 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ પ્રક્રિયાને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્ય અંતર્ગત જિલ્લામાં 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન નાગરિકો માટે સ્વ-ગણતરીની વિશેષ સુવિધા ઉપલબ્ધ રહેશે. બે તબક્કામાં કામગીરી હાથ ધરાશે વસ્તી ગણતરીની પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે: સ્વ-ગણતરી (17 મે થી 31 મે, 2026): નાગરિકો નિર્ધારિત પોર્ટલ se.census.gov.in પર જઈ પોતાની વિગતો જાતે ભરી શકશે. નોંધણી બાદ મળતો 11 આંકડાનો SE ID સાચવી રાખવો ફરજિયાત છે. ઘરયાદી અને મકાનોની ગણતરી (1 જૂનથી 30 જૂન, 2026): ગણતરીદારો ઘરે-ઘરે જઈ માહિતી એકત્રિત કરશે. જે નાગરિકોએ ઓનલાઈન નોંધણી કરાવી હશે, તેમણે માત્ર પોતાનો 11 આંકડાનો ID કર્મચારીને આપવાનો રહેશે. માહિતીની ગોપનીયતા અને મહત્વ કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી દ્વારા એકત્રિત કરવામાં આવતી સામાજિક અને આર્થિક માહિતીનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવે છે. વસ્તી ગણતરી અધિનિયમ મુજબ તમામ વિગતો સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલે ઉમેર્યું હતું કે, આ કાર્ય માટે વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે. સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પ્રક્રિયા: પોર્ટલ એક્સેસ: સૌ પ્રથમ se.census.gov.in વેબસાઇટ પર જાઓ. નોંધણી: કુટુંબની પ્રાથમિક વિગતો ભરી નોંધણી કરો. OTP વેરિફિકેશન: મનપસંદ ભાષા પસંદ કરી મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો. રહેણાંક વિગતો: રહેઠાણના સ્થળની વિગતો ભરી નકશામાં લાલ માર્કર દ્વારા ઘરનું લોકેશન સેટ કરો. પ્રશ્નાવલી: પૂછવામાં આવેલા તમામ સામાજિક-આર્થિક પ્રશ્નોના સચોટ જવાબ ભરો. ચકાસણી: અંતે તમામ માહિતી ચકાસીને સબમિટ કરો અને 11 આંકડાનો SE ID મેળવી તેને સાચવી રાખો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સહકાર આપવા અને વસ્તી ગણતરી-2027 ને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →