બનાસકાંઠામાં 47 આધાર કીટો કાર્યરત:કલેક્ટર મિહિર પટેલે નવી 24 કીટો ફાળવી, નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ ઘરઆંગણે મળી રહેશે

Gujarat5/20/2026, 12:26:32 PM
બનાસકાંઠામાં 47 આધાર કીટો કાર્યરત:કલેક્ટર મિહિર પટેલે નવી 24 કીટો ફાળવી, નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ ઘરઆંગણે મળી રહેશે
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ ઘરઆંગણે મળી રહે તે માટે કુલ 47 આધાર કીટો કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી નવી 24 આધાર કીટોની ફાળવણી કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવાનો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રત્યેક તાલુકા દીઠ 2 આધાર કીટો ઉપલબ્ધ કરાવાઈ છે. આનાથી નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે લાંબા અંતર સુધી જવું પડશે નહીં. સીમાવર્તી અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સરળતાથી સેવાઓ મળે તે માટે વાવ તાલુકામાં 4 અને સુઈગામ તાલુકામાં 3 આધાર કીટો ફરતી રાખવામાં આવશે. અન્ય દરેક તાલુકામાં 2 કીટ સ્થાયી રૂપે કાર્યરત રહેશે. આ આધાર કીટો દ્વારા નવીન આધાર નોંધણી, આધાર અપડેશન, બાયોમેટ્રિક સુધારા અને મોબાઈલ નંબર અપડેટ સહિતની વિવિધ સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થશે. જિલ્લા વહીવટી તંત્રએ આધાર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે તાલુકા સ્તરે તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક સાથે સુચારુ આયોજન કર્યું છે. આ સુવિધાથી વૃદ્ધો, દિવ્યાંગો, મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિશેષ લાભ મળશે. તેમને સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. તેમણે આધાર સેવાઓનો વ્યાપ વિસ્તૃત બનાવી સરકારી યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →