108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી સફળ ડિલિવરી:બનાસકાંઠાના અમીરગઢમાં માતા અને નવજાતનો જીવ બચાવ્યો

Gujarat5/13/2026, 11:41:43 AM
108 ટીમે એમ્બ્યુલન્સમાં કરાવી સફળ ડિલિવરી:બનાસકાંઠાના અમીરગઢમાં માતા અને નવજાતનો જીવ બચાવ્યો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. અમીરગઢ તાલુકાના ખાપરા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા તેમને CHC અમીરગઢ ખાતે લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ મહિલામાં લોહીની ઉણપ જણાતા તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. અમીરગઢથી ઇકબાલગઢ વચ્ચે લગભગ 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સગર્ભાની સ્થિતિ ગંભીર બની હતી. આથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો. ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. 108ના તાલીમબદ્ધ EMT શ્રવણભાઈ એપા અને પાયલોટ લાલાભાઈ રાવળે હેડ ઓફિસના ડોક્ટરની સલાહ લીધી હતી. તેમણે પોતાની કુશળતા અને તાલીમના આધારે સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી. જન્મ પછી નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ પડતા EMT દ્વારા તરત જ કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યા, જેનાથી બાળકનો જીવ બચી ગયો. ત્યારબાદ માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સગર્ભાના પરિવારજનોએ 108 ટીમનો આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લા 108 એમ્બ્યુલન્સ સેવાના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી અને 108 સેવાના ઈ.એમ.ઈ. નિખિલભાઈ પટેલે ટીમની કામગીરીને બિરદાવી હતી.
Read Original Article →