અમીરગઢમાં ઉનાળાની ગરમી વચ્ચે સિંચાઈના પાણીની કટોકટી:જળાશયો સુકાવા લાગ્યા; ખેડૂતોની પોકાર-‘સરકાર તળાવો પાઇપલાઇનથી ભરી આપે, જેથી હિજરત કરીને બહાર ન જવુ પડે’

Gujarat5/23/2026, 12:35:00 AM
અમીરગઢમાં ઉનાળાની ગરમી વચ્ચે સિંચાઈના પાણીની કટોકટી:જળાશયો સુકાવા લાગ્યા; ખેડૂતોની પોકાર-‘સરકાર તળાવો પાઇપલાઇનથી ભરી આપે, જેથી હિજરત કરીને બહાર ન જવુ પડે’
ઉનાળાની ગરમી વચ્ચે પાણીની અનેક વિસ્તારોમાં પાણીની પણ તંગી જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોને ખુબ મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો એ ડુંગરાળ હોવાના કારણે મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ચોમાસુ નબળું નિવડે તો લોકોને અને ખેડૂતોને ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોય છે. જળાશયો ધીમે ધીમે સુકાવા લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો અમીરગઢ તાલુકામાં ચોમાસુ સારું જાય ત્યારે તાલુકામાં આવેલા લઘુ સિંચાઈના અંદાજે 12 જેટલા નાના-મોટા જળાશયોમાં પાણી સંગ્રહ થાય છે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. જો કે, ઉનાળા દરમિયાન આ જળાશયો ધીમે ધીમે સુકાવા લાગતા હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. જેથી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે, અમીરગઢ તાલુકાના લઘુ સિંચાઈના ડેમો તેમજ તળાવોમાં અન્ય તાલુકાની જેમ પાઇપલાઇનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ઉનાળામાં પાણીની સમસ્યાના કારણે વાવેતર વગર ખેતરો ખાલી અમીરગઢ તાલુકાના મોટાભાગના ખેડૂતો કૂવા તેમજ બોરવેલ આધારિત ખેતી કરતા હોય છે. જોકે, ઉનાળામાં પાણીની સમસ્યાના કારણે વાવેતર વગર ખેતરો ખાલી રાખવા ખેડૂતો મજબૂર બન્યા છે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં ફુવારા પદ્ધતિ ગોઠવેલી છે. ચોમાસા તેમજ શિયાળામાં જ્યાં 50 જેટલા ફૂવારા ખેતરમાં ગોઠવેલા હોય છે ત્યાં ઊનાળામાં પાણીની તંગીના કારણે માત્ર 25 થી 30 જેટલા ફૂવારા જ ચાલુ રાખી શકાય છે. કેટલાક વિસ્તારમાં કૂવામાંથી માત્ર બે થી ત્રણ કલાક ચાલે એટલું જ પાણી હોય છે. પાણીના તળ ઊંચા આવે તો ખેડૂતોને હિજરત ન કરવું પડે આ અંગે ઈકબાલગઢના ખેડૂત આયદાન રબારીએ જણાવ્યું હતું કે, અમારે અમીરગઢ તાલુકાની અંદર 12 થી 13 નાના મોટા ડેમો આવેલા છે. જોકે, તેમાં અત્યારે 10% પાણી છે, 90% તળાવો ખાલી છે. એ 10% પાણી પશુઓને પીવા પૂરતું જ છે. દિવસેને દિવસે બોરના અને કૂવાઓનો તળ ઊંડા જાય છે. પશુપાલકો વતી વિનંતી એટલી જ છે કે, બીજા તાલુકાની જેમ અમીરગઢ તાલુકામાં પણ પાઈપલાઈન દ્વારા તળાવો ભરવામાં આવે તો, પાણીના તળ ઊંચા આવી શકે અને ખેડૂતોને હિજરત કરીને બહાર જવું પડે છે એ ન જવું પડે. અમીરગઢ તાલુકામાં પાણીની બહુ જ મોટી સમસ્યા ખેડૂત નરસિંહ પટેલે જણાવ્યું કે, અમીરગઢ તાલુકામાં છેલ્લા બે વર્ષથી પાણીની બહુ જ મોટી સમસ્યા છે. વરસાદ વધુ પડતો નથી અને પાણીના તળ ધીમે ધીમે ઉડાં જઈ રહ્યા છે. અહિં બાજુમાં દિવાનિયા ડુંગર પાસે ડેમ છે. આ ડેમ પણ અમારો પૂરો ભરાતો નથી. બનાસ નદીમાં પણ હાલ પાણી નથી. ડુંગરપુરાના નંદુ પટેલે જણાવ્યું કે, હાલ ઉનાળામાં પાણીની તંગીના કારણે ખેડૂતોને સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. જ્યારે ખેડૂત તરુણ પટેલે જણાવ્યું કે, ભૂગર્ભ જળ ખૂબ જ નીચે જતા રહ્યા છે. નવા બોર અને કૂવા કરીએ છીએ છતાં પણ પાણીનો કોઈ સોર્સ મળતો નથી. આ અંગે કિસાન સંઘ અમીરગઢ તાલુકા પ્રમુખ અશોક માળીએ જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકામાં 10 થી વધારે તળાવો આવેલા છે. ચોમાસામાં તળાવ તેમજ ડેમોમાં થોડું ઘણું પાણી હોય છે. પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે.
Read Original Article →