જિલ્લામાં 8,973 બેઠકોની ઘટ:પ્રવેશનું સંકટ: બ.કાં.માં ધોરણ-11માં 29940 બેઠક સામે 38913 વિદ્યાર્થીઓ

Gujarat5/25/2026, 12:00:00 AM
ચાલુ વર્ષે 2026માં બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,913 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા પાસ કરી છે. પરંતુ તેની સામે હવે ધોરણ-11માં પ્રવેશ મેળવવા જિલ્લામાં કુલ 29,940 બેઠકો મંજૂર થયેલી છે. ધોરણ 11માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જિલ્લામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સરખામણીએ ધોરણ-11ની બેઠકોની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા શિક્ષણ વિભાગના આંકડા અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ધોરણ-11ના પ્રવેશ માટે કુલ 307 શાળાઓ કાર્યરત છે. જેમાં 104 સરકારી, 175 ગ્રાન્ટેડ અને 28 ટ્રાયબલ શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કુલ 499 વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સરકારી શાળાના 115 વર્ગો, ગ્રાન્ટેડ શાળાના 336 વર્ગો અને ટ્રાયબલ શાળાના 48 વર્ગો ઉપલબ્ધ છે. આ તમામ શાળાઓ અને વર્ગોની થઈને જિલ્લામાં કુલ 29,940 બેઠકો મંજૂર થયેલી છે. ITI પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં વધતો ક્રેઝ, ચાલુ વર્ષે ફોર્મ 5 હજારને પાર થવાની શક્યતા પાલનપુર ITIના નોડલ પ્રિન્સિપાલ રોહિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ITI પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ સતત વધી રહ્યો છે. વર્ષ 2024માં 4,376 અને વર્ષ 2025માં 4,556 ફોર્મ ભરાયા હતા, જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 5 હજાર પાર થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર અને મેકેનિક ડીઝલ જેવા ટેક્નિકલ કોર્સ ઓછાં ખર્ચે અને ટૂંકા સમયમાં પૂર્ણ થતા હોવાથી વિદ્યાર્થીઓ ઝડપથી નોકરી કે સ્વરોજગાર તરફ આગળ વધી આત્મનિર્ભર બની રહ્યા છે. ફેશન ડિઝાઇનિંગમાં યુવતીઓનો રસ વધ્યો ફેશન ડિઝાઇનર દિવ્યા શાહે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગના વિકાસ સાથે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે. ખાસ કરીને યુવતીઓ બુટિક શરૂ કરવા અથવા ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે ટૂંકાગાળાના સર્ટિફાઇડ કોર્સ પસંદ કરી રહી છે. 8,973 વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં કે ડિપ્લોમા-ITIમાં જવું પડશે સામે પક્ષે ચાલુ વર્ષે 2026માં બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,913 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા પાસ કરી છે. ધોરણ-11 મંજૂર થયેલી 29,940 બેઠકો સામે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોતાં સીધો 8,973 બેઠકોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે જિલ્લાના આશરે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓએ કાં તો ધોરણ-11ના અભ્યાસ માટે અન્ય જિલ્લાની શાળાઓમાં જવું પડશે, અથવા તો સામાન્ય પ્રવાહ છોડીને ધોરણ-11 સિવાયના અન્ય વૈકલ્પિક કોર્સ પસંદ કરવા પડશે.
Read Original Article →