વહીવટી અને કાનૂની ભૂલો‎ ગામલોકો માટે સંકટ‎:સલ્લામાં ગૌચર પર બનેલા મકાનો હટાવવાના હાઈકોર્ટના આદેશથી 216 પરિવારો દહેશતમાં

Gujarat6/7/2026, 12:00:00 AM
વહીવટી અને કાનૂની ભૂલો‎ ગામલોકો માટે સંકટ‎:સલ્લામાં ગૌચર પર બનેલા મકાનો હટાવવાના હાઈકોર્ટના આદેશથી 216 પરિવારો દહેશતમાં
પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા હાઈકોર્ટે તંત્રને કડક સૂચના આપતાં 216 જેટલા પરિવારોના માથા પરથી છત છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. ગામના સરવે નં.741ની આશરે 14 એકર ગૌચર જમીન પર વર્ષો પહેલાં રહેણાંક પ્લોટો ફાળવાયા હતા. જેની પર અહીં 141 જેટલા પાકા મકાનો ઊભા થઈ ચૂક્યા છે જ્યારે 79 જેટલા પ્લોટ ખુલ્લા છે. ગામલોકોએ જણાવ્યું કે બે વ્યક્તિના આંતરિક ઝઘડાથી આ વિષય ઊભો થયો હતો. જે પૈકી એક વ્યક્તિએ સામે વાળી વ્યક્તિનું ગૌચરનું દબાણ હટાવવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી જે બાદ અરજી કરનાર ફરિયાદીએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી તેમ છતાં ગૌચર જમીનના સંરક્ષણને લઈને ગામના તમામ દબાણો શોધવા માટે કલેકટરને તાકીદ કરી હતી જે બાદ સર્વે ટીમો દ્વારા દબાણો શોધ્યા હતા જે બાદ હાઈકોર્ટે ગૌચર પરના તમામ દબાણો હટાવવા હુકમ કર્યો હતો. ગ્રામ પંચાયતના એક સદસ્યે જણાવ્યું કે "આ મામલો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે અગાઉ દિવાળી પહેલા ગામમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ હતી કેટલાક રહેણાક ઘર તોડ્યા પણ હતા. તે વખતે ગામના લોકોએ ફાળો કરી વકીલ રોકી કામગીરી હાથ ધરી હતી. ગૌચર પરના મિલકત ધારકોને બીજી વાર આખરી નોટિસ આપી છે. વહીવટી અને કાનૂની ભૂલો આજે ગામલોકો માટે સંકટ લગભગ 40 વર્ષ પહેલાં થયેલી વહીવટી અને કાનૂની ભૂલો આજે ગામ લોકો માટે સંકટ બનીને સામે આવી છે. ગામમાં વર્ષો પહેલાં ગૌચર જમીનના ભાગ પર રહેણાંક પ્લોટોની હરાજી કરી હતી. ગ્રામજનોએ સરકારી પ્રક્રિયા મુજબ રકમ ભરી પ્લોટ મેળવ્યા હતા. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્લોટધારકોને સનદો પણ આપી હતી. જેના કારણે લોકોને વિશ્વાસ હતો કે તેઓ કાયદેસર માલિક છે. પરંતુ મૂળભૂત ભૂલ અહીં થઈ હતી કે જમીનનો ઉપયોગ બદલાયા છતાં સરકારી રેકોર્ડમાં તેનો હેડ બદલાયો નહોતો. કાગળ પર જમીન ગૌચર તરીકે જ નોંધાયેલી રહી. વર્ષો સુધી આ બાબત ધ્યાન બહાર રહી, પરંતુ કલેકટર દ્વારા નિમાયેલી તપાસ સમિતિ બાદ હવે વિસંગતતા સામે આવી છે.
Read Original Article →