વેપારી અને યાર્ડના ચેરમેન વચ્ચે વિવાદ સર્જાયો:થરાના એપીએમસીમાં લાયસન્સ રિન્યૂ મુદ્દે વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો
બનાસકાંઠાના નવરચિત ઓગડ તાલુકાના વેપારી મથક થરાના એપીએમસીમાં સોમવારે બપોરે બે વેપારીઓને લાયસન્સ રિન્યૂ ન કરતાં વેપારીઓ અને ચેરમેન-વાઇસ ચેરમેન વચ્ચે વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ચેરમેન-વાઇસ ચેરમેન રાજકીય કિન્નાખોરી રાખી લાયસન્સ રિન્યૂ કરતા નથી. પરિણામે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચેરમેનએ તેનો ઇન્કાર કર્યો હતો. મામલો વધુ ન વણસે તે માટે પોલીસ બોલાવવી પડી હતી. આથી પોલીસે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. માર્કેટયાર્ડમાં માર્ચના અંતે નવા નાણાકીય વર્ષથી વેપાર કરવા માટે લાયસન્સ રિન્યૂ માટે જીએસટી ધરાવતા હોય અને નિયમિત સેસ ભરાતા હોય તેની તપાસ બાદ સબ યાર્ડ કમિટી દ્વારા લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે. ત્યારે થરા માર્કેટ યાર્ડમાં નવા વર્ષના અંતે 190 જેટલી અરજીઓ રિન્યૂ માટે આવી હતી. તેમાં 188 વેપારીઓની અરજીઓ મંજૂર કરી લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં પવન કોર્પોરેશનના પરાગભાઇ પટેલ અને રાજેશ્વરી ટ્રેડિંગના વિનાજી ઠાકોરના લાયસન્સ ઇસ્યૂ ન કરતા વેપારી અને ચેરમેન-વાઇસ ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો વણસ્યો હતો. પરિણામે પોલીસ બોલાવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે વેપારી પરાગભાઇ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારી સાથે વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ કિરીટભાઇ ઠક્કરે કિન્નાખોરી રાખી અમારું લાયસન્સ રિન્યૂ કર્યું નથી અને લાઇસન્સ રિન્યૂની પ્રક્રિયામાં મનમાની કરી રહ્યા છે. જ્યારે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટમાં વેપારીઓના લાયસન્સના રિન્યુમાં કોઈ ઇસ્યુ નથી.જે બે વેપારીઓના લાયસન્સ રિન્યુ નથી કર્યા તેમાં સેસ અને જીએસટી વિષયક ખાતરી કરવાની બાકી હોવાથી રિન્યુ નથી કરાયા પણ હુમલાની કોશિશની વાત ખોટી છે.
Read Original Article →