ધરપકડ:4 વર્ષિય બાળકનું અપહરણ,પોલીસે CCTV ફુટેજ-ફોટો વાયરલ કરી કલાકોમાં શોધી કાઢ્યો
વડગામના ધનપુરા પાટિયા નજીક ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા પરિવારના 4 વર્ષના બાળકને ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. ત્યારે બાળકને રૂ.10ની લાલચ આપી કાર ચાલક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બપોરે જ્યારે પરિવાર ઘરે આવ્યું અને બાળક ન દેખાયું એટલે તપાસ કરતા બાળકને કારમાં આવેલો કોઈ યુવક ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના પાલીથી સુજારામ રાણારામ ભીલ સોમવાર સવારે પોતાની પત્ની અને સાળા સાથે જલોત્રા ગામે ભિક્ષા માંગવા ગયા હતા, જ્યારે તેમના ત્રણ બાળકો ધનપુરા પાટિયા પાસે રમી રહ્યાં હતા. બપોરે 1 વાગ્યે પરત ફરતા તેમનો પુત્ર દેવ ઉર્ફે બાબુ ગુમ હતો અને અન્ય બાળકો રડતા હતા.
બાળકોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દેવ ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. તે દરમિયાન એક અજાણી કાર આવી હતી, જેમાંથી ઉતરેલા એક શખ્સે રૂ.10ની લાલચ આપી દેવને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો. જે બાદ ગભરાઈ ગયેલા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી છતાં કોઈ ભાળ મળી નહોતી. એટલે વડગામ પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પી.આઈ. નિલેશ સોલંકીની આગેવાનીમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દરેકને તાકીદ કરી હતી જેનું પરિણામ એ આવ્યું કે પાલનપુર વડગામ અને દાંતાના ગામોમાં આ ઘટના તીવ્ર ગતિથી અત્યંત વાયરલ થઈ ગઈ હતી. અને પોલીસને કાર અંગેની ખાનગી બાતમી મળતા દાંતાના નારગઢ પાસેથી કારને પકડી પાડવામાં આવી હતી જેની અંદરથી બાળક પણ સહી સલામત મળી આવ્યો હતો. મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે એટલે યુવકની અટક દર્શાવાઇ નથી: વડગામ પોલીસ
બાળકને અપહરણ કરવાની સંવેદનશીલ ઘટનામાં આરોપીની ઓળખ છતી થાય તો અન્ય આરોપીઓને ફરાર થવાનો મોકો મળી જાય એટલે જેને બાળક સાથે ઝડપી લેવાયો છે તેની અટકાયત જાહેર કરાઈ નથી. બાળ તસ્કરી હોવાની પોલીસને આશંકા
બે મહિના પહેલા બાળ તસ્કરી કાંડમાં બનાસકાંઠાના ગરીબ મજૂર દંપતીએ પોતાનો 10 દિવસનો પુત્ર આર્થિક સંકટને કારણે વેચી દીધો હતો જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દંપતી સહિત અત્યાર કુલ 9 ધરપકડ કરી છે. તપાસમાં 2 વર્ષમાં ઓછામાં ઓછા 20 આદિવાસી બાળકોને હૈદરાબાદમાં વેચાયા હોવાની શંકા છે. ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં એજન્ટો ગરીબ પરિવારોને નિશાન બનાવી રૂ.5 લાખથી 15 લાખ સુધીમાં બાળકોનું સોદાબાજી કરતા હતા. આ કેસમાં વધુ આરોપીઓ, એજન્ટો અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના જોડાણોની તપાસ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે.
Read Original Article →