ભાસ્કર એક્સક્લુઝિવ:પાલનપુરની બ્લડ બેન્કમાં 10 ટકા લોહીની અછત
સ્કૂલ-કોલેજોમાં વેકેશન શરૂ થતાં બ્લડ ડોનેશન કેમ્પોમાં ઘટાડો તથા 43 ડિગ્રી ગરમી અને ડિહાઇડ્રેશનના ડરે રક્તદાતાઓ બ્લડ ડોનેશનથી દૂર રહેતા પાલનપુરની બ્લડ બેન્કમાં આશરે 10 ટકા લોહીની અછત સર્જાઈ છે. જેના કારણે ઈમરજન્સી દર્દીઓ, થેલેસેમિયા બાળકો અને ડિલિવરી કેસ માટે પૂરતું લોહી જાળવવું હોસ્પિટલ માટે પડકારરૂપ બન્યું છે. પાલનપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ 7 વર્ષીય માસૂમ જફરના માતાપિતાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જફરને થેલેસેમિયા મેજર હોવાથી દર 21 દિવસે લોહી ચડાવવું ફરજિયાત હોય છે. ગયા મહિને લોહી ચડાવવાનો સમય થતાં તેના પિતા અગાઉથી બ્લડ બેંકમાં દોડધામ કરવા લાગ્યા હતા. પરંતુ જફરનું O નેગેટિવ દુર્લભ બ્લડ ગ્રુપ ક્યાંય ઉપલબ્ધ નહોતું. બ્લડ બેંકે પણ રક્તદાતા લાવવા કહ્યું, જેના કારણે લોહી મળવામાં 48 કલાકનો વિલંબ થયો હતો. આ દરમિયાન જફરનો ચહેરો ફીકો પડી ગયો, હાથ-પગ ઠંડા થઈ ગયા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. હોસ્પિટલના ખાટલા પર સોય-સિરીંજ જોઈને ધ્રૂજતો જફર વારંવાર માતાને પૂછતો હતો કે, મમ્મી, મને ક્યારે સારું થશે?” પિતા સોશિયલ મીડિયા અને ઓળખીતાઓ પાસે મદદ માગતા રહ્યા, જ્યારે માતા બાળકની હાલત જોઈ સતત રડતી હતી. અંતે પાલનપુરના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં જોઈને મધરાતે આવીને રક્તદાન કરતા જફરના શરીરમાં નવું જીવન દોડ્યું હતું.અને પરિવારમાં ફરી આનંદ ફેલાયો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના ઇન્ચાર્જ અને પ્રોફેસર (ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી ) ડો.દીપિકાબેન મોદીએ જણાવ્યું હતું કે,પાલનપુરમાં રોજ સરેરાશ 15 થી 20 યુનિટ લોહીની જરૂરિયાત ઉભી થાય છે. વેકેશન પહેલાં દર મહિને શાળાના સ્ટાફ, કોલેજ અને સંસ્થાઓ દ્વારા 8 થી 10 બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા હતા, જ્યારે મે મહિનામાં માત્ર 2 થી 3 કેમ્પ જ યોજાયા છે. O નેગેટિવ, AB નેગેટિવ અને B નેગેટિવ જેવા દુર્લભ બ્લડ ગ્રૂપની સૌથી વધુ અછત જોવા મળી રહી છે. બ્લડ બેંક દ્વારા સ્થાનિક જ્ઞાતિ મંડળો, સામાજિક સંગઠનો અને સોશિયલ મીડિયા ગ્રૂપ્સનો સંપર્ક કરી પરિસ્થિતિને પહોંચી વળવાના પ્રયાસો થઈ રહ્યા છે. સ્વસ્થ લોકો રક્તદાન કરી અનેક દર્દીઓ અને બાળકોનો જીવ બચાવી શકે છે. ગરમીમાં રક્તદાનથી નબળાઈ આવતી નથી
પાલનપુરના એમ.ડી. ફિઝિશિયન ડો.સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે,ઉનાળામાં બ્લડ ડોનેટ કરવાથી ડિહાઇડ્રેશન, ચક્કર કે નબળાઈ આવે છે. તેવી માન્યતા માત્ર ગેરસમજ છે. સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ યોગ્ય પ્રમાણમાં પાણી પીને અને હળવો આહાર લઈને રક્તદાન કરે તો કોઈ ગંભીર અસર થતી નથી. શરીર 24થી 48 કલાકમાં પ્લાઝ્માની માત્રા ફરી સંતુલિત કરી દે છે. તેમણે ડરના કારણે રક્તદાઓને રક્તદાનથી દૂર ન રહેવા અપીલ કરી હતી.નિયમિત રક્તદાન કરવાથી રક્તદાતાની તબિયત સારી રહે છે.
Read Original Article →