સ્થાનિક સ્તરે જ સુવિધા ઉપલબ્ધ બનશે:બનાસકાંઠા જિલ્લાની જમીન દફતર નિરીક્ષક કચેરી, સિટી સર્વે કચેરીઓનું વિકેન્દ્રીકરણ
બનાસકાંઠામાં જિલ્લા કક્ષાની જમીન દફતર નિરીક્ષક કચેરી, સીટી સર્વે કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરીને ડીસા, પાલનપુર સહિત વિવિધ વિસ્તારોમાં નવી ILR કચેરીઓને મંજૂરી આપી છે. જેના કારણે જમીન માપણી, રિસર્વે, પ્રોપર્ટી કાર્ડ અને અન્ય પ્રશ્નોના નિકાલ માટે સ્થાનિક સ્તરે જ સુવિધા ઉપલબ્ધ બનશે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, જમીનધારકો અને સામાન્ય નાગરિકોને લાંબા સમયથી સતાવતી જમીન સંબંધિત કામગીરીની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ વહીવટી સુધારો અમલમાં મૂક્યો છે. અત્યાર સુધી જિલ્લા કક્ષાએ કેન્દ્રિત રહેલી જમીન દફતર નિરીક્ષક (DILR), સીટી સર્વે અને હક્કચોક્સી કચેરીઓનું વિકેન્દ્રીકરણ કરીને હવે વિવિધ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે સ્વતંત્ર જમીન દફતર નિરીક્ષક (ILR) કચેરીઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. નવી વ્યવસ્થા હેઠળ ડીસા શહેર, ડીસા ગ્રામ્ય, પાલનપુર શહેર અને પાલનપુર ગ્રામ્ય વિસ્તારો માટે અલગ વહીવટી માળખું ઊભું કરાશે. ઉપરાંત દાંતા, વડગામ, અમીરગઢ અને કાંકરેજ તાલુકાઓને પણ નવી વ્યવસ્થામાં આવરી લેવાયા છે. સીટી સર્વે અને સંબંધિત કામગીરી માટે ઓગડ, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારોમાં પણ સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ નિર્ણયનો સૌથી મોટો લાભ એ રહેશે કે જમીન માપણી, હિસ્સા માપણી, કબ્જા મુજબની માપણી, રિસર્વે વાંધા અરજીઓનો નિકાલ તથા જમીન સંબંધિત અન્ય જટિલ પ્રશ્નો માટે લોકોને હવે પાલનપુર જિલ્લા કચેરી સુધી વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સ્થાનિક કચેરીઓમાં જ અરજીઓ સ્વીકારી ઝડપી કાર્યવાહી કરાશે. પોપર્ટી કાર્ડની નકલ મેળવવી, ફેરફાર નોંધો મંજૂર કરાવવી, જમીન ફાળવણી અને માંગણી સંબંધિત પ્રકરણોનો નિકાલ અગાઉની સરખામણીએ ઓછા સમયમાં થઈ શકશે. કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામતળના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી તથા તેના સંબંધિત વાંધા-આક્ષેપોની પ્રક્રિયા પણ હવે સ્થાનિક સ્તરે પૂર્ણ કરી શકાશે.
Read Original Article →