જય અંબે તિથિ ભોજન યોજનાની સમીક્ષા બેઠક:કલેક્ટર મિહિર પટેલની દાનની અપીલ; ‘અંબિકા અન્નક્ષેત્ર’ શ્રદ્ધાળુઓને નિશુલ્ક ભોજન પીરસાશે
બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ‘જય અંબે તિથિ ભોજન’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતભરના 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાનો છે. આજીવન મુખ્ય દાતા બનવાની તક
હાલમાં ‘અંબિકા અન્નક્ષેત્ર’ દ્વારા દરરોજ હજારો યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘તિથિ ભોજન’ યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજના અંતર્ગત જે દાતા ₹1.51 લાખનું દાન આપશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિ કે તારીખના મુખ્ય દાતા તરીકે નોંધાશે. દર વર્ષે નક્કી કરેલી તિથિએ અન્નક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવામાં આવશે.
પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગે દાનની અપીલ
બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. અંબાજી ખાતે કરેલા આ દાન થકી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. તેમણે જિલ્લાના અધિકારીઓને પણ આ સેવાયજ્ઞમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. ભોજનનો સમય અને મેનુ અન્નક્ષેત્રમાં દરરોજ ભોજન માટે 2 સમય નક્કી કરાયો છે: સવારનો સમય: 10:30 થી બપોરે 3:00 વાગ્યા સુધી સાંજનો સમય: 6:00 થી રાત્રે 9:30 વાગ્યા સુધી મેનુ વિગત
રોજિંદા મેનુમાં પૂરી-શાક, દાળ-ભાત અને પાપડ જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. જ્યારે રવિવાર, પૂનમ અને અષ્ટમી જેવા ખાસ દિવસોએ પ્રસાદમાં ‘મોહનથાળ’નો સમાવેશ કરવામાં આવે છે. દરરોજ હજારો ભક્તો લે છે લાભ
સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 અને વિશેષ દિવસોએ 8,000 જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. ‘અન્નદાન એ જ સૌથી મોટું દાન’ ની ભાવના સાથે ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ યોજનામાં સહભાગી થવા આમંત્રણ અપાયું છે. યાત્રાધામ અંબાજી ખાતે શરૂ કરાયેલી આ નિશુલ્ક સેવા યોજનાની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
Read Original Article →