મોડાસામાં પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં:લાખોના ખર્ચે મૂકાયેલા વોટરએટીએમ બિનઉપયોગી બન્યા
મોડાસા ચાર રસ્તા અને માલપુર રોડ પર પ્રજાની સુખાકારી માટે શરૂ કરાયેલા વોટર ATM તંત્રની ઘોર બેદરકારી અને નબળા મેન્ટેનન્સના કારણે લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યા છે. નગરપાલિકામાં બે પ્રમુખોની ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં આ સુવિધા પુનઃ કાર્યરત થઈ શકી નથી. હાલની કાળઝાળ ગરમીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા શ્રમિકો અને રાહદારીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને કોર્પોરેટરો આ મામલે તાકીદે યોગ્ય પગલાં ભરી વોટર ATM શરૂ કરાવે તેવી લોકમાગ ઉઠી છે. મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા અને માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજી મંદિરના બગીચા નજીક નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે વોટર ATM શરૂ કરવામાં આવ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી રોજગારી માટે આવતા શ્રમજીવીઓ, મુસાફરો અને સ્થાનિક નાના-મોટા વેપારીઓને માત્ર રૂપિયામાં 1 લિટર અને 10 રૂપિયામાં 20 લિટર આર.ઓ. (RO) નું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવો આ યોજનાનો મુખ્ય હેતુ હતો. CITU અને મજદૂર યુનિયને ઝુંબેશ ઉપાડી
રોજીરોટી માટે શહેરમાં આવતા શ્રમિકોની પાણીની આ મોટી સમસ્યા અંગે તાજેતરમાં જ મજદૂર યુનિયન અને CITUના અગ્રણી ડી. આર. જાદવે કામદારોને સાથે રાખીને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉગ્ર માગ ઉઠાવી હતી. ચાર રસ્તા પર શ્રમિકો માટે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા વહેલી તકે ગોઠવવામાં આવે તેવી યુનિયનની મુખ્ય માગ છે.
Read Original Article →