અરવલ્લીમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:વૈભવ રાઠોડના માતૃશ્રીના સ્મરણાર્થે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં 200થી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા અને માથાસુલિયા ગામે વૈભવ રાઠોડ અને શિક્ષક ભાવેશભાઈ રાઠોડના માતૃશ્રી સ્વર્ગસ્થ લલિતાબેન સોમાલાલ રાઠોડના સ્મરણાર્થે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, મેઘરજના સહયોગથી આયોજિત આ કેમ્પમાં 200થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી આરોગ્ય લાભ મેળવ્યો હતો. આ સેવાયજ્ઞનો પ્રારંભ અનિતાબેન, ભારતીબેન રાઠોડ, યુવરાજ, ગ્રેસી અને સૌમ્યાએ કર્યો હતો. કેમ્પ દરમિયાન જલારામ હોસ્પિટલ, મેઘરજના પી.આર.ઓ. ભીખુભાઈ બામણીયા અને નિષ્ણાત ટીમ દ્વારા આંખોની સૂક્ષ્મ તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક દવાઓ તેમજ રાહતદરે ચશ્માનું વિતરણ કરાયું હતું. તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા 12 દર્દીઓને નિઃશુલ્ક વાહન વ્યવસ્થા દ્વારા મેઘરજ હોસ્પિટલ લઈ જઈ મફત ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ કેમ્પને સરાહનીય ગણાવ્યો હતો. ઉપસ્થિત ગામલોકોએ જણાવ્યું હતું કે, માતૃશ્રીના સ્મરણાર્થે યોજાયેલું આ સેવાકાર્ય અનેક લોકોના જીવનમાં નવી રોશની પ્રગટાવનારું સાબિત થશે. વૈભવ રાઠોડના પરિવારે, ગ્રામજનો અને શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, મેઘરજે સ્વ. લલિતાબેન રાઠોડને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Read Original Article →