ટીટોઈ જનતા શરાફી મંડળીની વાર્ષિક સભા યોજાઈ:35મી સભામાં અધ્યક્ષે પ્રગતિ બિરદાવી, પારદર્શક વહીવટની પ્રશંસા.
મોડાસા તાલુકાના ટીટોઈ ગામે ટીટોઈ જનતા શરાફી સહકારી મંડળીની ૩૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. મંડળીના ચેરમેન મયૂરધ્વજસિંહ બી. ચંપાવતના પ્રમુખપદે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં 100 સભાસદોને આવકારવામાં આવ્યા હતા. મંડળીના સેક્રેટરી અરૂણભાઇ સુથારે એજન્ડા મુજબની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું, જેમાં સર્વાનુમતે તમામ કામો મંજૂર કરાયા. આ સાધારણ સભામાં જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલે મંડળીની ઉત્તરોત્તર પ્રગતિને બિરદાવી હતી. તેમણે ચેરમેન, ડિરેક્ટરો, સભાસદો તેમજ સેક્રેટરી સહિતના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા. પ્રભુદાસભાઈએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોઈપણ સહકારી સંસ્થાનો વિકાસ તેની પ્રામાણિકતા, ધગશ અને ઈચ્છાશક્તિ પર નિર્ભર હોય છે. તેમણે મંડળીની નાણાકીય પ્રગતિની વિગતો આપતા કહ્યું કે, આજે આ મંડળી પાસે રૂ. 3.23 કરોડની થાપણો છે. તેણે રૂ. 6.07 કરોડનું મોટું ધિરાણ કરીને જરૂરિયાતમંદ લોકો માટે મોટો સહારો પૂરો પાડ્યો છે. આ પ્રગતિ જાણીને તેમણે સંતોષ વ્યક્ત કર્યો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દર વર્ષે મંડળી જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, તેના પાયામાં સભાસદોથી લઈને હોદ્દેદારો અને કર્મચારીઓની કુનેહ તેમજ મહેનત રહેલી છે. પારદર્શક અને ઉત્તમ વહીવટની પારાશીશી સમાન આ મંડળીને આ વર્ષે રૂ. 41 લાખ 30 હજારનો માતબર નફો થયો છે. આ નફો હાલના ચેરમેન અને તેમની સમગ્ર ટીમ દ્વારા મંડળીના વિકાસ માટે કરાયેલા અવિરત પ્રયાસોને આભારી છે. સભાના અંતે, ચેરમેન મયૂરધ્વજસિંહે આભાર દર્શન કર્યું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં મંડળી આનાથી પણ વધુ સારું ધિરાણ, વસૂલાત અને નફો મેળવીને વિકાસના નવા શિખરો સર કરશે.
Read Original Article →