ઉમેદવારોની જાહેરાત:જિ.પં.માં કોંગ્રેસની પૂર્વ ધારાસભ્ય ,પૂર્વ ક્લાસ વન અધિકારીની પત્નીને ટિકિટ

Gujarat4/12/2026, 12:00:00 AM
અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા કોંગ્રેસે શુક્રવારે રાત્રે જ ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી હતી. શનિવારે જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર કોંગ્રેસે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જેવો માહોલ ઉભો થયો છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં બે બેઠકો ઉપર ઉમેદવારોના પરિવારના સભ્યોને રિપિટ કર્યા છે. સાથે સાથે સાઠંબા બેઠક ઉપર પૂર્વ ધારાસભ્યના પત્નીને અને ખેરાડી બેઠક પર પૂર્વ ક્લાસ વન અધિકારીના પત્નીને મેદાનમાં ઉતાર્યા છે. ઓડ બેઠક ઉપર કોંગ્રેસે ભાજપના પૂર્વ આઇપીએસ અધિકારી મનોજ નિનામાની સામે એમ.બી.એડ અભ્યાસ કરેલા અને ચાર ટર્મ સરપંચ રહેલા સુરેશભાઈ કોદરભાઈ નિનામાને મેદાનમાં ઉતાર્યા છે. સાથે સાથે કોંગ્રેસે ખેરાડી બેઠક ઉપર પૂર્વ ક્લાસ વન અધિકારીના ધર્મપત્ની સીતાબેન રમણભાઈ ડામોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે સાઠંબા બેઠક ઉપર અગાઉ જિલ્લા પંચાયતમાં ચેરમેન રહી ચૂકેલા માનવેન્દ્રસિંહજી સોલંકીના માતા એટલે કે પૂર્વ ધારાસભ્ય ચંદ્રભાણ સિંહજીના પત્ની શીલાકુમારી ચંદ્રભાણસિંહ સોલંકીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે શણગાલ બેઠક ઉપર બળવંતસિંહ દલપતસિંહ રાઠોડને અને મોટા કંથારિયા બેઠક ઉપર કુંદનબેન વનરાજભાઈ ડામોર જે અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે આ બંને પરિવારના સભ્યોને કોંગ્રેસે રિપિટ કર્યા છે.
Read Original Article →