ચકચાર:ધનસુરાના શીકા પં.ના વોટર વર્કસ સહિત 7 ખેડૂતોના બોરકૂવાના કેબલ વાયરની તસ્કરી

Gujarat5/19/2026, 12:01:40 AM
ચકચાર:ધનસુરાના શીકા પં.ના વોટર વર્કસ સહિત 7 ખેડૂતોના બોરકૂવાના કેબલ વાયરની તસ્કરી
અગાઉ માલપુરના ઉભરાણ, મોડાસાના સાકરીયા અને હવે ધનસુરાના શીકાકંપા વિસ્તારમાં પંચાયતના કૂવા ઉપરથી અને અન્ય 7 કરતાં વધુ ખેડૂતોના બોરકૂવા ઉપરથી રાત્રે તસ્કરો કેબલ વાયર કાપી જતાં ચકચાર મચી છે. આ અંગે શીકા પંચાયતના સરપંચ નીરૂબેન અને ડેપ્યુટી સરપંચ સુરેશભાઈએ ધનસુરા પોલીસને લેખિતમાં જાણ કરી છે. ખેડૂતોને પોતાના બોરકૂવા ઉપર લગાવેલા કેબલ વાયર અને ઈલેક્ટ્રિક મોટરની રખેવાળી કરવા હવે રાત્રે વગડામાં ધામા નાખવાની નોબત આવી છે. શીકાકંપામાં તસ્કરો એક જ રાત્રિમાં પંચાયતના કૂવા ઉપરના વોટર વર્કસના તેમજ શીકા કંપા વિસ્તારમાં બોર કૂવો ધરાવતા ખેડૂત કેશાભાઈ જેઠાભાઇ ભરતભાઈ, કેશાભાઈ રાજુભાઈ રવજીભાઈ, કિરીટભાઈ ધનજીભાઈ ચંદુભાઈ, રવજીભાઈ અંબાલાલ ડાયાભાઈ, અરવિંદભાઈ અને કિરીટભાઈ અંબાલાલભાઈના બોરકૂવા ઉપરથી મોંઘા કેબલ વાયરની તસ્કરી કરી પલાયન થઈ જતાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શીકા ગામના મુખી પરિવારના અગ્રણી પટેલ અલ્પેશભાઈ પ્રેમજીભાઈએ અને ઉપસરપંચ સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ આ જ વિસ્તારમાં તસ્કરો વીજ કંપનીની ડીપીમાંથી કિંમતી કોપરના કેબલ વાયરની ચોરી કરી હતી તેનો ભેદ પણ હજુ ઉકેલાયો નથી. પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રે સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે. શીકા ગ્રામ પંચાયતના કૂવાના વોટર વર્કસ ઉપર ઈલેક્ટ્રિક મોટર સાથે જોઈન્ટ કરેલ કેબલ વાયર ગાયબ જણાતા અન્ય ખેડૂતોએ પોતાના બોરકૂવા ઉપર લગાવેલા કેબલની તપાસ કરતાં અન્ય 7 ખેડૂતોના કેબલ વાયરની ચોરીની ઘટના બહાર આવી હતી.
Read Original Article →