શામળાજી કોંગ્રેસે મોંઘવારી-ભ્રષ્ટાચાર સામે રેલી યોજી:મંદિરમાં પ્રાર્થના કરી, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
શામળાજી તાલુકા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી, NEET પેપર લીક અને ભ્રષ્ટાચારના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શામળાજીના મુખ્ય માર્ગો પર ફરીને શામળાજી મંદિરના ચોકમાં સમાપ્ત થઈ હતી, જ્યાં કાર્યકરોએ પ્રાર્થના કરી હતી. યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નિનામા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વનરાજ ડામોર, રાહુલ ગામેતી, સાગર નિનામા, કાનાભાઈ ખાંટ સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. રેલી બાદ શામળાજી મંદિરના ચોકમાં એકઠા થયેલા કાર્યકરોએ ભગવાન શામળિયાને પ્રાર્થના કરી હતી કે આમ જનતાને મોંઘવારી અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળે. શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Read Original Article →