વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા:મોડાસાની ભેરુંડા રોડ અને ડુઘરવાડા રોડ ઉપર રેલવે ક્રોસિંગના રસ્તાઓ બિસમાર
મોડાસા ધનસુરા રોડ અને ભેરુંડા રોડ તેમજ ડુઘરવાડા રોડ ઉપરથી પસાર થતી રેલવે ક્રોસિંગના બંને છેડાના રસ્તાઓ ખાડા ખૈયા વાળા અને બિસમાર બની જતાં વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. રેલવે ક્રોસિંગના બંને છેડે મોટા મોટા ખાડા પડ્યા હોવાથી અને બ્લેક મેટલ ખૂલ્લી થઈ ગઈ હોવાથી વાહનોને નુકસાન પહોંચી રહ્યું હોવાની લોકોની બૂમ ઉઠી છે. સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક રેલવે ક્રોસિંગના બંને છેડાના રસ્તાની મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. રેલવે સત્તાવાળાઓ અથવા તો માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા રેલવે ક્રોસિંગના બંને છેડાની મરામત ન કરાતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડાસા માર્કેટયાર્ડમાં પોતાની જણસ લઈને આવતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ટ્રેક્ટર અથવા અન્ય માલવાહક વાહન જ્યારે રેલવે ક્રોસિંગ ઉપરથી પસાર થાય છે. ત્યારે ખખડધજ થઈ ગયેલા રસ્તાના કારણે ખેડૂતોના વાહનો અધવચ્ચે ખોટવાતાં હોવાની બૂમ ઉઠી છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સત્તાવાળાઓ રેલવેની મરામત કરવા માટે જાહેર રસ્તાઓ બંધ કરાવીને વાહનો અન્ય રસ્તાઓ ઉપર ડાયવર્ટ કરાવવા છતાં પણ રેલવે ક્રોસિંગના બંને છેડાના રસ્તાઓની મરામત કરાતી નથી.
Read Original Article →