ગાડીઓ રોકી વિરોધ કરતાં પોલીસ દોડી આવી:રામપુરમાં વીજ પુરવઠો બંધ કરાતા ગ્રામજનોમાં આક્રોશ
મોડાસા તાલુકાના શીણાવાડ રામપુર ગામે વહેલી સવારે UGVCLની ટીમ અચાનક ચેકિંગ માટે ત્રાટકી હતી. ચેકિંગ દરમિયાન ગ્રાહક અને વીજ કર્મચારીઓ વચ્ચે કોઈક કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો બિચકતાં વીજ કંપનીના અન્ય કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ વણસતી જોઈ પોલીસને પણ બોલાવી લીધી હતી. વીજ કંપનીની ટીમે અચાનક આખા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર, વહેલી સવારે અચાનક હાથ ધરાયેલા આ ચેકિંગને કારણે નાના બાળકો અને મહિલાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બૂમાબૂમ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ગામનો પાવર કટ થઈ જતાં દૂધ મંડળીના BMC (બલ્ક મિલ્ક કૂલર)માં રહેલો $5000$ લીટર કરતાં વધુ દૂધનો જથ્થો બગડી જવાની ચિંતા ઊભી થઈ હતી.દૂધ બગડી જવાની આશંકાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળાએ UGVCLની ટીમના કર્મચારીઓને ઘેરી લીધા હતા અને તેમની ગાડીઓ રોકી રાખી હતી. ગ્રામજનોએ બંધ કરાયેલો વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી રજૂઆત કરી હતી.
Read Original Article →