મોડાસાના કોલીખડ પાસે ST બસ સાથે ડમ્પર અથડાયું:અમદાવાદ જતી બસમાં સવાર તમામ 19 મુસાફરોનો આબાદ બચાવ, ડમ્પરચાલક વાહન મૂકી ફરાર
મોડાસા નજીક આવેલા કોલીખડ પાસે આજે એક એસટી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર તમામ 19 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાનાવાડાથી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ જ્યારે કોલીખડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તે ડમ્પર સાથે અથડાઈ હતી. ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર સર્જાયેલા આ અકસ્માતને કારણે એસટી બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી. ડ્રાઈવરની સતર્કતાથી મોટી હોનારત ટળી
અકસ્માતની આ ઘટનામાં બસના ડ્રાઈવરે સમયસૂચકતા અને હોશિયારી દાખવતા બ્રેક મારી દીધી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ઘટના બાદ એસટી કર્મચારીઓએ તાત્કાલિક આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →