મોડાસા નાગરિક બેંક ડિરેક્ટરની ચૂંટણી, આજે મતદાન:15 બેઠક માટે 32 ઉમેદવાર મેદાને, મોડી રાત્રે પરિણામ સંભવ
અરવલ્લી જિલ્લાની સૌથી મોટી નાગરિક સહકારી બેંક, મોડાસા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં 15 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાનમાં છે. મોડાસા શહેરમાં છેલ્લા 64 વર્ષથી કાર્યરત આ બેંક જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક ગણાય છે. વેપારીઓ અને ખેડૂતો માટે તે 'કામધેનુ' સમાન છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે 'પરિવર્તન' અને 'વિશ્વાસ' પેનલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. બેંકના કુલ 14,760 સભાસદોમાંથી 10,500થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ 11 બુથ ફાળવવામાં આવ્યા છે, જ્યાં 26 EVM મશીનો દ્વારા મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી અધિકારી વાય. જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરાયું છે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે પીવાના પાણી, પંખા અને સિનિયર સિટીઝન માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારે 8 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. મતગણતરી સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને મોડી રાત સુધીમાં પરિણામો જાહેર થવાની સંભાવના છે.
Read Original Article →