મોડાસા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી:જયશ્રી પટેલ પ્રમુખ, ગફુર રબારી ઉપપ્રમુખ
મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના જયશ્રીબેન પટેલ પ્રમુખ અને ગફુર રબારી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણી બાયડ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. મોડાસા નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે જયશ્રી પટેલના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેના પગલે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસ અને AIMIM તરફથી પણ ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચૂંટણીના પરિણામો અનુસાર, ભાજપના જયશ્રી પટેલને 24 ભાજપના અને 3 અપક્ષ સભ્યોના મળી કુલ 27 મત મળ્યા હતા, જેના આધારે તેમને મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, ઉપપ્રમુખ પદ માટે ગફુર રબારીને પણ 27 મત મળતા તેમને વિજેતા ઘોષિત કરાયા હતા. વિજેતા ઉમેદવારોને જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સંગઠનના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, જયશ્રીબેન પટેલ મોડાસા નગરપાલિકાના છઠ્ઠા મહિલા પ્રમુખ બન્યા છે.
Read Original Article →