મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ:સગાઓએ પતિને જાહેરમાં માર માર્યો, યુવક હોસ્પિટલમાં દાખલ

Gujarat6/6/2026, 3:39:43 PM
મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ:સગાઓએ પતિને જાહેરમાં માર માર્યો, યુવક હોસ્પિટલમાં દાખલ
મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. યુવતીના સગાઓએ તેના પતિ મિહિર પંચાલને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને ટોળામાંથી છોડાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજની એક વિધર્મી યુવતીએ છ મહિના અગાઉ મોડાસાના મિહિર પંચાલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા. મિહિર પંચાલના જણાવ્યા મુજબ, તેઓ પત્ની સાથે વિઝાના કામ માટે મોડાસા કોલેજ રોડ પર આવેલી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે ગયા હતા. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું. આ દરમિયાન વિઝા કન્સલ્ટન્ટે યુવતીનો ફોન લઈ ઓટીપી ન આવતો હોવાનું બહાનું કાઢી યુવતીના પિયરિયાઓને જાણ કરી કે તમારી દીકરી અહીં વિઝાના કામ માટે આવી છે. આ જાણ થતાં જ મેઘરજથી યુવતીના પિયરવાળા તાત્કાલિક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે પહોંચ્યા હતા. તેઓ યુવતીને પકડી બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણ કરી ગયા હતા. યુવતીના સગાઓએ તેના પતિ મિહિર પંચાલને પણ ઢોર માર માર્યો હતો. યુવકે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મિહિર પંચાલને ટોળામાંથી છોડાવ્યો હતો. ઇજાગ્રસ્ત મિહિરને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ભોગ બનનાર યુવકનું નિવેદન નોંધી અપહરણ કરાયેલી યુવતીને શોધવા અને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →