મોડાસામાં પ્રેમલગ્નમાં યુવતીનું અપહરણ અને પતિને માર મારવાનો મામલો:પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યાં, યુવતીને મુક્ત કરાવાઈ
મોડાસા શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણ અને તેના પતિ પર હુમલાના કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી યુવતીને મુક્ત કરાવી હતી. ગતરોજ મોડાસાના મિહિર પંચાલ અને તેમના પત્ની અલ્ફીન રહીમ બાકરોલીયા હોસ્પિટલ ગયા બાદ વિઝા ફોર્મ ભરવા ડુંગરવાડા રોડ પર આવેલા રૂહાન પટેલના PTE ક્લાસિસ પર આવ્યા હતા. મિહિર પંચાલ નીચે કારમાં રાહ જોઈ રહ્યા હતા. અલ્ફીનને ફોર્મ ભરવામાં વાર લાગતા મિહિરે ફોન કર્યો હતો. તે સમયે અલ્ફીને જણાવ્યું કે તેનો ફોન રૂહાન પાસે છે અને OTP આવતો નથી. આ દરમિયાન એક સફેદ આર્ટિગા કાર નીચે આવી હતી. વિઝા કન્સલ્ટન્ટ રૂહાન પટેલે કામ પતી ગયાનું કહેતા અલ્ફીન નીચે ઉતરી રહી હતી, ત્યારે કારમાંથી તેના માતા-પિતા અને બે મામાઓ દ્વારા તેનું અપહરણ કરી કારમાં બેસાડી દેવામાં આવી હતી. પત્નીને બચાવવા ગયેલા મિહિર પંચાલને યુવતીના સગા-સંબંધીઓએ ઢોર માર માર્યો હતો. મોડાસા ટાઉન પોલીસે તેમને છોડાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મિહિર પંચાલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જિલ્લા LCB, SOG અને ટાઉન પોલીસે સાત અલગ-અલગ ટીમો બનાવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને નેત્રમની મદદથી ભરૂચના આમોદ ખાતેથી યુવતીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવવામાં આવી હતી. પોલીસે માર મારનાર અને અપહરણ કરનાર કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ કેટલાક આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →