મોડાસાના લીંભોઈ શનિ મંદિરે શનિ જયંતિની ઉજવણી:મુંબઈથી 200 ભક્તોએ શનિદેવને અભિષેક કર્યો, મહાઆરતી યોજાઈ

Gujarat5/16/2026, 8:24:28 AM
મોડાસાના લીંભોઈ શનિ મંદિરે શનિ જયંતિની ઉજવણી:મુંબઈથી 200 ભક્તોએ શનિદેવને અભિષેક કર્યો, મહાઆરતી યોજાઈ
મોડાસા તાલુકાના લીંભોઈ ગામે આવેલા પૌરાણિક શનિ મંદિરે શનિ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ વર્ષે શનિવાર અને અમાસના અનોખા સંયોગ વચ્ચે ભક્તોએ ભારે ઉત્સાહ અને આસ્થા સાથે આ પવિત્ર દિવસની ઉજવણી કરી હતી. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવતા હોઈ, વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે કતારબદ્ધ જોવા મળ્યા હતા. મુંબઈથી આવેલા શ્રદ્ધાળુઓએ કર્યો વિશેષ અભિષેક દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુંબઈના મુલુંદથી 200 જેટલા ભક્તોનું એક વિશેષ જૂથ શનિદેવના દર્શનાર્થે લીંભોઈ આવ્યું હતું. આ શ્રદ્ધાળુઓએ ભગવાન શનિદેવને દૂધ, દહીં, મધ, શેરડીનો રસ અને નાળિયેર પાણી જેવા વિવિધ પંચામૃત દ્રવ્યોથી શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કર્યો હતો. પીતાંબરધારી ભક્તો અને મહાઆરતીનું આકર્ષણ શનિ જયંતિના વિશેષ અવસરે મોટી સંખ્યામાં ભક્તો પીતાંબર (પીળા વસ્ત્રો) ધારણ કરીને પૂજા-અભિષેકમાં જોડાયા હતા. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે ભક્તોએ કાળા તલ અને તલનું તેલ ચઢાવીને વિશેષ અર્ચના કરી હતી. દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે મંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહીને તમામ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Read Original Article →