કોંગ્રેસના‎સદસ્યો ગેરહાજર રહેવાની ચર્ચાઓ:મોડાસા તા.પં.કબજે કરવા ભાજપ- કોંગ્રેસે OBC મહિલા પ્રમુખ પદ માટે ફોર્મ ભરાવ્યા

Gujarat5/25/2026, 12:00:00 AM
મોડાસા તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 10 અને ભાજપના 10 સદસ્ય ચૂંટાઈ આવતાં ટાઈ પડી હતી. આજે સોમવારે તાલુકા પંચાયતની મળનારી પ્રથમ સભામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જેમાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષે કાંટાની ટક્કર જેવો માહોલ સર્જાયો છે. જોકે આ માહોલ વચ્ચે કોંગ્રેસના બે ચૂંટાયેલા સદસ્યો ગેરહાજર રહેવાની ચર્ચાએ જોર પકડતા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જોકે કોંગ્રેસ ભાજપ બંને પક્ષે રવિવારે ઓબીસી મહિલા પ્રમુખ પદ માટે ઉમેદવારોના ફોર્મ ભરાવી તખતો તૈયાર કરાયો હતો અને નામ છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખ્યા હતા. મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે આજે સોમવારે વર્ગ -1ના અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાનાર ચૂંટણીમાં મોડાસા તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટાયેલી પાંખના કોંગ્રેસ ભાજપના સદસ્યોની પ્રથમ સભા મળવાની છે. મોડાસા તાલુકા પંચાયત તાબે કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના ચૂંટાયેલા 10 સદસ્યો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે મહિલા ઓબીસી બેઠક હોવાથી કોંગ્રેસે પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે રવિવારે મહિલા ઉમેદવાર નક્કી કરી તખતો તૈયાર કર્યો હતો. બીજી બાજુ ભાજપે પણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે પોતાના ઉમેદવારનું નામ નિશ્ચિત કરી લીધું હતું. ભારે રાજકીય અટકળો વચ્ચે કોંગ્રેસના બે ઉમેદવારો ગેરહાજર રહેવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો આ ચર્ચા મુજબ બે ઉમેદવારો ગેરહાજર રહેશે તો ભાજપના 10 અને કોંગ્રેસના 8 સદસ્યો હાજર રહેશે તો પ્રમુખનો તાજ ભાજપમાંથી મોડાસા તાલુકાના પૂર્વમાં આવેલા ગામડામાંથી ચૂંટાઈ આવેલા મહિલાના શીરે જશે. કોંગ્રેસ અને ભાજપે છેલ્લે સુધી પ્રમુખ માટે ઉમેદવારોના નામ ગુપ્ત રાખ્યા હતા. મુલોજ, ટીંટોઈ બેઠકો પર કોંગ્રેસના સદસ્યો ગેરહાજર રહેવાની ચર્ચાઓ અરવલ્લી જિલ્લા પંચાયતની મુલોજ અને ટીંટોઇ બંને બેઠકોમાં સમાવેશ થયેલી મોડાસા તાલુકા પંચાયતની ચોક્કસ બે બેઠકો ઉપરથી ચૂંટાઈ આવેલા કોંગ્રેસના બે સદસ્યો ગેરહાજર રહેવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. જોકે આ મામલે કોંગ્રેસનો કોઈપણ હોદ્દેદારોએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
Read Original Article →