અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીક, DDO દીપેશ કેડિયાની બદલી:ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુભેચ્છા અને વિદાય સમારોહ યોજાયો

Gujarat5/15/2026, 6:29:03 AM
અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીક, DDO દીપેશ કેડિયાની બદલી:ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુભેચ્છા અને વિદાય સમારોહ યોજાયો
અરવલ્લીના મોડાસા ખાતે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની બદલી થતા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ બંને અધિકારીઓને ભાવભીની વિદાય આપવા માટે આયોજિત કરાયો હતો. ગુજરાત સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા રાજ્યભરમાં 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સફળ કામગીરી કરનાર પ્રશસ્તિ પારીકની ગાંધીનગર ખાતે ગ્રામિણ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની જામનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અવસરે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોડાસા ખાતે ભવ્ય શુભેચ્છા અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા RAC ડી.વી. મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન મંત્રી જયેશભાઈ દોશીએ કર્યું હતું, જેમણે બંને અધિકારીઓના કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો. ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે કલેક્ટર પ્રશસ્તિ પારીક અને ડીડીઓ દીપેશ કેડિયાની વિકાસલક્ષી કામગીરી, પારદર્શક વહીવટ અને લોકકેન્દ્રિત અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી તેમની પ્રશંસા કરી હતી. સમારોહ દરમિયાન બંને અધિકારીઓનું બુકે અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસાની અનેક સામાજિક, શૈક્ષણિક, વેપારી અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી બંને મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી. જેમાં કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન, મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા કેળવણી મંડળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રેડ ક્રોસ સોસાયટી, એપીએમસી મોડાસા, લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ,અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન, સન્ડે ઓન સાયકલ ટીમ સહિત અનેક સંસ્થાઓ જોડાઈ હતી. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કલેક્ટર પ્રશસ્તિ પારીક અને ડીડીઓ દીપેશ કેડિયાએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવવાનો સમય તેમના માટે યાદગાર રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાના નાગરિકો તેમજ સમગ્ર વહીવટી ટીમ તરફથી સતત સહકાર મળતા વિકાસના અનેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા હતા. કાર્યક્રમના અંતે કમલેશભાઈ પટેલે આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
Read Original Article →