ચેકિંગ:મોડાસામાં 52 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરાયો

Gujarat5/13/2026, 12:00:00 AM
મોડાસામાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મંગળવારે જુદી જુદી જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 52 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરાયો હતો અને 8 જેટલા વેપારીઓને રૂ.4200 દંડ ફટકાર્યો હતો. મોડાસામાં પાલિકાના વહીવટદાર ડો. વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાના મુખ્ય અધિકારી ભદ્રેશ પટેલ, ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત અને ચિરાગ પ્રજાપતિ સહિતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરમાં કેરીનો વેપાર કરતાં અને કેરીમાંથી જ્યુસ બનાવીને વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 8 જગ્યાએ ચેકિંગ હાથ ધરીને અંદાજિત 52 કિલો અખાદ્ય કેરીનો જથ્થો કબજે લઈને તેનો નાશ કરાયો હતો. તદુપરાંત 8 જેટલા વેપારીઓને સ્થળ ઉપર જ રૂપિયા 4200 દંડ ફટકારી વસૂલાત કરી હતી. ઉનાળામાં પાલિકાની ટીમ દ્વારા કેરીના વેપાર કરતાં અને કેરીમાંથી જ્યુસ બનાવી વેચાણ કરતાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાતાં લે ભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Read Original Article →