વિદ્યાનગરમાં નેશનલ ફૂટબોલ કેમ્પ શરૂ, 100 ખેલાડીઓ ભાગ લેશે:આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે

Gujarat4/7/2026, 12:11:50 PM
વિદ્યાનગરમાં નેશનલ ફૂટબોલ કેમ્પ શરૂ, 100 ખેલાડીઓ ભાગ લેશે:આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે
આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 'STAIRS સ્કૂલ ફૂટબોલ લીગ (SSFL) નેશનલ કેમ્પ 2026'નો પ્રારંભ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન અને STAIRS ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ 7મી અપ્રિલથી 9મી એપ્રિલ સુધી ચાલશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પાયાની ફૂટબોલ પ્રતિભાઓને નિખારવાનો છે. આ SSFL 2026 અંતર્ગત દેશભરના 12 રાજ્યો અને 29 શહેરોમાંથી 50,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રવ્યાપી સખત પસંદગી પ્રક્રિયા બાદ, 100 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને આ પ્રતિષ્ઠિત નેશનલ કેમ્પમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે CVM યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી અને DFA પ્રમુખ મેહુલ પટેલ, STAIRS ફાઉન્ડેશનના સ્થાપક સિદ્ધાર્થ ઉપાધ્યાય, આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ, ગોપાલ કાગ અને માધવન જાજુ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રિપબ્લિક ઓફ આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડે ખાસ હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને સ્પર્ધા કરતા જોવા એ એક અદભૂત પહેલ છે. ફૂટબોલ સખત મહેનત અને માનસિક મજબૂતી માંગે છે.” STAIRS ફાઉન્ડેશનના પ્રમુખ સિદ્ધાર્થ ઉપાધ્યાયે ઉમેર્યું કે, SSFL એ શાળા સ્તરેથી પ્રોફેશનલ ફૂટબોલ સુધી પહોંચવાનો સચોટ માર્ગ છે. આ કેમ્પ ગુજરાતના તેમજ દેશભરના યુવા ફૂટબોલરો માટે પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર ખોલશે. "પ્રતિભા દરેક જગ્યાએ છે, માત્ર તકોની જરૂર છે" — મેહુલ પટેલ આણંદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન (DFA) ના પ્રમુખ અને CVM ના જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતના યુવા ફૂટબોલરો માટે આ કેમ્પ પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર બનશે. ડેવિડ ફોર્ડ જેવા આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના માર્ગદર્શનથી ચરોતર પ્રદેશના ખેલાડીઓને વૈશ્વિક એક્સપોઝર મળશે ." તેમણે ઉમેર્યું કે કેમ્પના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તાલીમ આપી ભારતીય યુથ આઈ-લીગ એકેડેમીમાં જોડાવાની તક અપાશે.ભવિષ્યનો મજબૂત પાયો: CVM ફૂટક્લબના ફૂટબોલ ડાયરેક્ટર ગોપાલ કાગે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ખેલાડીઓને પ્રોફેશનલ ફૂટબોલની વધુ નજીક લઈ જશે. સહભાગી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની શારીરિક અને માનસિક તાલીમ આપી ભારતના ફૂટબોલના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.
Read Original Article →