તારાપુર CMTCમાં કુપોષિત બાળકોની માતાઓને પોષણ માર્ગદર્શન:લાઈવ વાનગી નિદર્શન અને પોષણ ટોપલી વિતરણથી બાળકોને કુપોષણમુક્ત કરાશે
તારાપુર તાલુકાના CMTC ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ નિવારણ માટે વિશેષ જનજાગૃતિ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ CDPOના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ખાસ કરીને SAM (Severe Acute Malnutrition) અને MAM (Moderate Acute Malnutrition) શ્રેણીમાં આવતા બાળકોની માતાઓને પોષણક્ષમ આહાર અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું હતું. નિષ્ણાતો દ્વારા આંગણવાડી દ્વારા અપાતા ‘ટેક હોમ રેશન’ (THR) નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે માટે લાઈવ વાનગી નિદર્શન યોજાયું હતું. ટેક હોમ રેશનમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી માતાઓને સમજાવવામાં આવી હતી, જેથી બાળકો રસપૂર્વક આહાર લઈ શકે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ શાકભાજી, કઠોળ, અનાજ અને મિલેટ્સ (શ્રી અન્ન) ને દૈનિક આહારમાં સામેલ કરવા પર ભાર મૂકાયો હતો. CMTC ખાતે સારવાર લઈ રહેલા તેમજ વિસ્તારના અન્ય કુપોષિત બાળકોની માતાઓને પ્રોત્સાહિત કરવા ‘પોષણ ટોપલી’નું વિતરણ કરાયું હતું. કુપોષિત બાળકોને CMTCમાં દાખલ કરી યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી આરોગ્ય અને વહીવટી માર્ગદર્શન પણ અપાયું. અધિકારીઓએ જણાવ્યું કે CMTCમાં 14 દિવસનો નિર્ધારિત કોર્સ પૂર્ણ થયા બાદ પણ બાળકના આરોગ્યમાં સતત સુધારો જળવાઈ રહે તે માટે બાળકને નિયમિત આંગણવાડી કેન્દ્ર પર લઈ જવું જરૂરી છે. આ બાબતે માતાઓને વિસ્તૃત સમજણ અપાઈ હતી. આ કાર્યક્રમમાં તારાપુર તાલુકાના CDPO, NNM (National Nutrition Mission)ના પ્રતિનિધિઓ, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, મુખ્યસેવિકા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.
Read Original Article →