એસપીયુના સંશોધકોની બે પ્રશ્નાવલીઓને કોપીરાઈટ:મહિલા સ્વનિર્ભરતા સંશોધનને ભારત સરકારનું કાયદાકીય રક્ષણ
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના અર્થશાસ્ત્ર વિભાગના સંશોધકોએ મહિલા સશક્તિકરણ અને સ્વનિર્ભરતા સંબંધિત સંશોધનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વિભાગ દ્વારા તૈયાર કરાયેલી બે ક્ષેત્ર સર્વેક્ષણ પ્રશ્નાવલીઓને ભારત સરકારના કોપીરાઈટ કાર્યાલય દ્વારા સત્તાવાર રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર એનાયત કરાયા છે. આ પ્રમાણપત્રો 1 જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ સંશોધક ટીમમાં પીએચડી સ્કોલર હેમાલી બારોટ, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉ. કિંજલ આહીર અને પ્રોફેસર ડૉ. જીજ્ઞેશ બારોટનો સમાવેશ થાય છે. તેમણે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ અને સ્વ-સહાય જૂથોની અસરનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત પ્રશ્નાવલીઓ વિકસાવી છે. આ સંશોધનનો મુખ્ય વિષય કચ્છ જિલ્લામાં મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં સ્વ-સહાય જૂથોની ભૂમિકાનો અભ્યાસ કરવાનો છે. મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કોપીરાઈટ રજિસ્ટ્રેશન મેળવનાર પ્રથમ પ્રશ્નાવલી "સ્વ-સહાય જૂથના પ્રમુખ માટે ક્ષેત્ર સર્વેક્ષણ મુલાકાત અનુસૂચિ" (પ્રમાણપત્ર ક્રમાંક: LD-20260188954) છે. આ પ્રશ્નાવલી સ્વ-સહાય જૂથનું નેતૃત્વ કરતી મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેમના નેતૃત્વનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરાઈ છે. બીજી પ્રશ્નાવલી "સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ન હોય તેવી મહિલાઓ માટે ક્ષેત્ર સર્વેક્ષણ મુલાકાત અનુસૂચિ" (પ્રમાણપત્ર ક્રમાંક: LD-20260188953) છે. આ પ્રશ્નાવલી સ્વ-સહાય જૂથોથી વંચિત મહિલાઓની સ્થિતિ, પડકારો અને આર્થિક જરૂરિયાતોનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં મદદરૂપ થશે. ભારત સરકારના કોપીરાઈટ એક્ટ-1957 હેઠળ આ બંને કૃતિઓને કાયદાકીય રક્ષણ અને રાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત થઈ છે. સંશોધકોના મતે, આ પ્રશ્નાવલીઓ ભવિષ્યમાં મહિલા કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને સ્વ-સહાય જૂથો સંબંધિત નીતિઓ ઘડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સિદ્ધિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ, SPU-SSIP નવધારા દ્વારા મળેલી નાણાકીય સહાય અને સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SPSEC) દ્વારા પૂરી પાડવામાં આવેલી લોજિસ્ટિક સહાયથી શક્ય બની છે. યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને સમગ્ર શૈક્ષણિક પરિવારે હેમાલી બારોટ, ડૉ. કિંજલ આહીર અને ડૉ. જીજ્ઞેશ બારોટને આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
Read Original Article →