ILSASS વાર્ષિક મહોત્સવમાં સપના વ્યાસનું પ્રેરક ઉદબોધન:'લીડરશિપથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે'

Gujarat4/10/2026, 4:07:53 AM
ILSASS વાર્ષિક મહોત્સવમાં સપના વ્યાસનું પ્રેરક ઉદબોધન:'લીડરશિપથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે'
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ (ILSASS) દ્વારા તેના 17મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગરના સી.વી.એમ. મલ્ટીપર્પઝ હોલ ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે જાણીતા ફિટનેસ અને લાઈફસ્ટાઈલ કોચ સપના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સપના વ્યાસે સંસ્થાની કાર્યપ્રણાલીના વખાણ કરતા જણાવ્યું હતું કે, જેવી લીડરશિપ હોય છે તેવા જ વિદ્યાર્થીઓનું ઘડતર થતું હોય છે. તેમણે ઉમેર્યું કે આ સંસ્થાનું નેતૃત્વ અને ફેકલ્ટી પ્રેરણાદાયી હોવાથી અહીંના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહી અને તેજસ્વી જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન, વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવની અધ્યક્ષતા સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ બી. પટેલે કરી હતી. આ અવસરે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી.એન. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
Read Original Article →