શિક્ષક નિલેશ પટેલે શાળાને ₹1.25 લાખનું દાન આપ્યું:જૂના બાદલપુરની ઉત્તરબુનિયાદી શાળામાં તેમનો વિદાય સમારોહ યોજાયો

Gujarat4/6/2026, 4:27:55 PM
શિક્ષક નિલેશ પટેલે શાળાને ₹1.25 લાખનું દાન આપ્યું:જૂના બાદલપુરની ઉત્તરબુનિયાદી શાળામાં તેમનો વિદાય સમારોહ યોજાયો
જૂના બાદલપુર ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી ઉત્તરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે અંગ્રેજી વિષયના શિક્ષક એન. કે. પટેલ (નિલેશ પટેલ) નો વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે શાળાના વિકાસ માટે રૂ. 1,25,000 (એક લાખ પચ્ચીસ હજાર) નું દાન અર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પટાંગણમાં પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળના સભ્યો, સાથી શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા નિલેશ પટેલનું શાલ ઓઢાડીને અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી અંગ્રેજી જેવા વિષયને અત્યંત સરળ શૈલીમાં ભણાવીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તેમની નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ ભાવના ભવિષ્યમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે. પોતાની સેવા નિવૃત્તિના યાદગાર પ્રસંગે તેમણે આપેલ દાન બદલ સંસ્થાના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય વેળાએ પોતાના પ્રતિભાવમાં નિલેશ પટેલ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે આ સંસ્થા મારા માટે એક પરિવાર સમાન રહી છે. વર્ષો સુધી આ વિસ્તારના બાળકોને શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસનાર પટેલ સાહેબની વિદાય વેળાએ સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની આંખો પણ ભીની થઈ હતી. કાર્યક્રમના અંતે સૌએ સાહેબનું નિવૃત્ત જીવન સુખમય, આરોગ્યપ્રદ અને શાંતિમય બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી.
Read Original Article →