CVM યુનિવર્સિટીએ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કર્યું:પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો સંકલ્પ લીધો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીના એન.એસ.એસ. (NSS) સેલ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ભવ્ય ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડો ઇન્દ્રજીત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રોવોસ્ટ પ્રો. ડો ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, "પ્રકૃતિનું જતન, આવતીકાલનું સર્જન છે. આવનારી પેઢી માટે શુદ્ધ હવા, પાણી અને તંદુરસ્ત પર્યાવરણની ભેટ મૂકી જવી એ આપણા સૌની નૈતિક ફરજ છે." તેમણે ઉમેર્યું હતું કે, માત્ર છોડ રોપવાથી આપણી જવાબદારી પૂરી નથી થતી, પરંતુ તેનું પૂર્ણ વૃક્ષ બને ત્યાં સુધી જતન કરવું એ જ સાચી દેશસેવા છે. જો આપણે આજે પ્રકૃતિને બચાવીશું, તો જ આવતીકાલે પ્રકૃતિ માનવજાતને સુરક્ષિત રાખશે. આ ગ્રીન ડ્રાઈવમાં યુનિવર્સિટીના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો. CVMUના માનનીય પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈએ આ સરાહનીય પ્રવૃત્તિને બિરદાવતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈએ પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી આગામી સમયમાં પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે વધુ નક્કર અને સંયુક્ત પ્રયાસો કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. યશેષ દરજી, ડેપ્યુટી રજિસ્ટ્રાર (એકેડેમિક્સ) ડૉ. દ્રષ્ટિ ભટ્ટ, ડીન IQAC, એક્રેડિટેશન એન્ડ રેન્કિંગ્સ ડૉ. દર્શક દેસાઈ, કંટ્રોલર ઓફ એક્ઝામ ડૉ. વૈભવ પટેલ તેમજ ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી પ્રો. (ડૉ.) અમિત ગણાત્રા સહિત યુનિવર્સિટીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સક્રિયપણે ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી કાર્તિક જગતાપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સીવીએમ યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોએ પણ પોતપોતાના સંસ્થાકીય સ્તરે આ ઉત્સવની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું હતું.
Read Original Article →