કોલેજ વિદ્યાર્થિનીએ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:આવેગીક પરિપક્વતા અને મનોભાર પર અભ્યાસ, ચારૂત્તર વિદ્યા મંડળે ગ્રાન્ટ આપી

Gujarat4/7/2026, 4:43:42 PM
કોલેજ વિદ્યાર્થિનીએ સંશોધન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો:આવેગીક પરિપક્વતા અને મનોભાર પર અભ્યાસ, ચારૂત્તર વિદ્યા મંડળે ગ્રાન્ટ આપી
નલિની અરવિંદ અને ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની કાજલ એમ. ગોહિલે મનોવિજ્ઞાન વિષયમાં એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે ડૉ. હસમુખ એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ "ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા અને મનો-શારીરિક મનોભારનો અભ્યાસ" વિષય પર પોતાનો માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સંશોધન કાર્યમાં કાજલ ગોહિલે ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં આવેગીક પરિપક્વતા (Emotional Maturity) અને મનો-શારીરિક મનોભાર (Psychosomatic Stress) વચ્ચેના સંબંધનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કર્યું છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓના ભાવનાત્મક વિકાસ, માનસિક દબાણ અને તેના શરીર તથા મન પર પડતા પ્રભાવ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આજના સ્પર્ધાત્મક શૈક્ષણિક વાતાવરણમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને સમજવા માટે આ પ્રકારનું સંશોધન અત્યંત ઉપયોગી છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી. એમ. પરમાર દ્વારા કાજલ ગોહિલ અને તેમના માર્ગદર્શક ડૉ. હસમુખ એમ. ચાવડાને આ શૈક્ષણિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આવા સંશોધન કાર્યો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનક્ષમતા અને વિચારશીલતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચારૂત્તર વિદ્યા મંડળ દ્વારા આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીનીને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. પ્રિન્સિપાલે આશા વ્યક્ત કરી કે કાજલ ગોહિલ ભવિષ્યમાં પણ મનોવિજ્ઞાન ક્ષેત્રે વધુ ઊંડું સંશોધન કરીને સમાજને ઉપયોગી યોગદાન આપશે. આ પ્રસંગે કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ કાજલ ગોહિલને અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિને બિરદાવી હતી.
Read Original Article →