આણંદ PI બ્રહ્મભટ્ટની અનોખી વિદાય:ફૂલોને બદલે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો, સ્ટાફે સંકલ્પ લીધો
આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) માંથી બદલી થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી. સામાન્ય રીતે ફૂલોની વર્ષા કરીને વિદાય અપાતી હોય છે, પરંતુ પી.આઈ. બ્રહ્મભટ્ટે સ્મૃતિ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની અમદાવાદ શહેર ખાતે બદલી થઈ છે. પી.આઈ. બ્રહ્મભટ્ટે સ્ટાફને પુષ્પવર્ષા કરવાને બદલે વૃક્ષારોપણ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફૂલો થોડા કલાકોમાં કરમાઈ જાય છે, જ્યારે વૃક્ષ લાંબા સમય સુધી જીવંત રહે છે અને પર્યાવરણને લાભ આપે છે. આણંદ LCB કચેરીના પ્રાંગણમાં પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટના હસ્તે આંબાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. LCB સ્ટાફે આ છોડનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો અને તેને પી.આઈ. બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિ વૃક્ષ તરીકે ઉછેરવામાં આવશે. આ પહેલનો હેતુ તેમની વર્ષોની સેવાને હંમેશા જીવંત રાખવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે. આ વૃક્ષ જેમ જેમ મોટું થશે તેમ તેમ તેમની કાર્યનિષ્ઠા અને માર્ગદર્શનની યાદ કચેરીના આંગણમાં કાયમ રહેશે. વૃક્ષારોપણ ઉપરાંત, પોલીસ સ્ટાફે પી.આઈ. બ્રહ્મભટ્ટને ભાવસભર વિદાય આપી હતી. સ્ટાફ દ્વારા ફૂલોથી શણગારેલી LCBની ગાડીને ખેંચીને તેમને વિદાય આપવામાં આવી હતી.
Read Original Article →