આણંદમાં 17 મેથી ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ:નાગરિકો સત્તાવાર પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકશે; કલેક્ટરનો સહભાગી થવા અનુરોધ
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત આણંદ જિલ્લામાં 17 મેથી 'સ્વ-ગણતરી' પોર્ટલનો પ્રારંભ થશે. આ અંગે વિગતવાર માહિતી આપવા માટે મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 17 મે, 2026થી 31 મે, 2026 સુધી ઘરની 'સ્વ-ગણતરી' ચાલશે. ત્યારબાદ, 1 જૂન, 2026થી 30 જૂન, 2026સુધી ગણતરીદારો દ્વારા ઘરની ગણતરી કરવામાં આવશે. આણંદ જિલ્લામાં કુલ 3184 ગણતરીદારો અને 488 સુપરવાઈઝરો દ્વારા ઘરની ગણતરી કરાશે. તેમણે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગામી 'જનગણના 2027'ના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 17 મેથી શરૂ થનાર 'સ્વ-ગણતરી' (Self-Enumeration) પોર્ટલ અંગે વિગતવાર માહિતી આપતા તેમણે કહ્યું કે આ પ્રક્રિયા દ્વારા નાગરિકો ગણતરીદાર ઘરે આવે તે પહેલાં પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકશે. આ પદ્ધતિ સંપૂર્ણપણે સુરક્ષિત, ઝડપી અને સરળ છે. કલેક્ટરે મીડિયાના માધ્યમથી આણંદ જિલ્લાના નાગરિકોને પોતાના ઘર/મકાનનું રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો. સ્વ-ગણતરી કરવા માટે નાગરિકોએ સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને રાજ્યની પસંદગી અને કેપચા કોડ દ્વારા પ્રવેશ મેળવવાનો રહેશે. ત્યારબાદ, કુટુંબની નોંધણી કરી, પસંદગીની ભાષામાં OTP મેળવી લોગ-ઈન કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આશરે 15થી 20 મિનિટનો સમય લાગશે. કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ એકવાર દાખલ કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહીં, તેથી વિગતો ચોકસાઈપૂર્વક ભરવી અનિવાર્ય છે. આ ઓનલાઈન પ્રક્રિયામાં નાગરિકોએ પોતાના રહેણાંકની વિગતો ભરવાની રહેશે અને નકશામાં ઘરનું ચોક્કસ લોકેશન લાલ માર્કર દ્વારા દર્શાવવાનું રહેશે. પ્રશ્નાવલી ભર્યા બાદ માહિતીની સમીક્ષા કરી 'ફાઈનલ સબમિટ' કરવાનું રહેશે. સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ થતો) જનરેટ થશે, જેનો સ્ક્રીનશોટ લઈ સાચવી રાખવો જરૂરી છે. પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે અંતિમ તબક્કામાં જ્યારે ગણતરીદાર રૂબરૂ મુલાકાત લેશે ત્યારે તેમને આ SE ID બતાવવાનો રહેશે. જો આ ID મેળ ખાશે તો માહિતી સીધી માન્ય ગણાશે, જેનાથી નાગરિકોના સમય અને મહેનતની બચત થશે. દેશના વિકાસની યોજનાઓ માટે સચોટ માહિતી પૂરી પાડવી એ દરેક નાગરિકની જવાબદારી છે તેમ જણાવી તેમણે વધુ સહાય માટે હેલ્પલાઈન નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે તેમ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું.
આ તકે જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર અને પ્રતિનિધિઓના વિવિધ વસ્તી ગણતરી પ્રક્રિયા સબંધિત મુદ્દાઓ અંગે મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ અને જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીમાં કોઈ રહી ન જાય તે રીતે "No Duplication and No Omission” સૂત્ર હેઠળ વસ્તી ગણતરી ૨૦૨૭ ની સમગ્ર પ્રક્રિયા હાથ ધરાનાર છે.
Read Original Article →