રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ:જિલ્લામાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે

Gujarat5/16/2026, 5:06:11 AM
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ:જિલ્લામાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશ અનુસાર, આણંદ જિલ્લામાં આજે 16 મે, 2026ના રોજ "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ"ની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલના આયોજનથી આ ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લાના 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 8 અર્બન હેલ્થ સેન્ટરોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ વર્ષની થીમ "જનસમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ: પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ" (Check, Clean and Cover) રાખવામાં આવી છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ચોમાસા પહેલાં માદા એડીસ ઇજિપ્ત મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગોને અટકાવવાનો છે. ઉજવણીના ભાગરૂપે, 16 મેના રોજ આણંદ ખાતે બી. જી. પટેલ ફિઝિયોથેરાપી કોલેજ કેમ્પસમાં એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ નિયંત્રણ અને અટકાયત અંગે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ દરમિયાન મચ્છરના જીવનચક્ર અને પોરાભક્ષક માછલીનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવશે. કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સફાઈ કામદારો સહિત અંદાજે 200 જેટલા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં રેલીઓ, જૂથ ચર્ચાઓ, આરોગ્ય શિબિરો, પત્રિકા વિતરણ અને સોશિયલ મીડિયા દ્વારા ડેન્ગ્યુ અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
Read Original Article →