આણંદમાં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો:આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશથી ત્રણ વર્ષમાં પરિણામ
આણંદ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને નિયંત્રિત કરવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ સતત કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંકડાઓ મુજબ, વર્ષ 2024માં જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 135 કેસ નોંધાયા હતા, જેમાં 44 સરકારી અને 91 ખાનગી કેસોનો સમાવેશ થતો હતો. જ્યારે વર્ષ 2025માં કેસોની સંખ્યા ઘટીને કુલ 70 થઈ હતી, જેમાં 29 સરકારી અને 41 ખાનગી કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધીમાં માત્ર 5 કેસ નોંધાયા છે, જે જિલ્લામાં ડેન્ગ્યુના ઘટતા પ્રભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલના આયોજનથી જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે દ્વારા મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવે છે અને જ્યાં પાણીનો નિકાલ શક્ય નથી ત્યાં ટેમીફોસ (Abate) જેવી પોરાનાશક દવાનો છંટકાવ કરી એન્ટી-લાર્વલ કામગીરી કરવામાં આવે છે. ‘સોર્સ રિડક્શન’ અંતર્ગત નકામા ટાયરો અને પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત, પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખવા માટે નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. મચ્છર નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરતા ગામડાઓના હવાડા અને તળાવોમાં પોરાભક્ષક ‘ગંભુશિયા’ અને ‘ગપ્પી’ માછલીઓ મૂકવામાં આવી રહી છે, જે કુદરતી રીતે મચ્છરના પોરાનો નાશ કરે છે. જે વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાય છે ત્યાં તાત્કાલિક ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુની સારવાર અને નિદાન માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ‘એપેડેમિક ડિસીઝ એક્ટ-1897’ અને ‘ડેન્ગ્યુ નોટિફિકેશન એક્ટ-2017’ હેઠળ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો રાખનાર બેદરકાર લોકો સામે નોટિસ અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા-કોલેજોમાં પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો સ્વયંભૂ સફાઈ રાખે અને મચ્છરજન્ય રોગો સામે સાવચેત રહે. આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે દર રવિવારે ઘરના પાણીના પાત્રો, કુલર, ફ્રિજની ટ્રે, કુંડા અને પક્ષીકુંજની સફાઈ કરે તેમજ પાણીના તમામ વાસણોને ઢાંકીને રાખે. ચોમાસા દરમિયાન ઘરની આસપાસ કે છત પર ટાયરો અથવા ભંગારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે “ચાલો, સૌ સાથે મળીને ‘મચ્છર મુક્ત આણંદ’ બનાવીએ અને ડેન્ગ્યુ સામેની લડાઈમાં સક્રિય સહભાગી બનીએ,” તેવી અપીલ કરી છે.
Read Original Article →