આણંદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન:ઇન્ચાર્જ કલેક્ટર દેવાહુતીની અધ્યક્ષતામાં આયોજન માટે બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આણંદ જિલ્લામાં આગામી 5 થી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારૂ આયોજન અને સચોટ અમલીકરણ માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર દેવાહુતીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર કચેરી, આણંદ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પથ યાત્રા અને જનકલ્યાણ શિબિરના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સંબંધિત વિભાગના અધિકારીઓએ પરસ્પરના સહયોગથી જન કલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ પથ યાત્રાના કાર્યક્રમોમાં તેમનું યોગદાન આપવું પડશે. તેમણે વધુમાં આ કાર્યક્રમોમાં આણંદ જિલ્લાના નગરજનો, આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સહભાગી બનાવવાની સાથે તેમને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો, વિવિધ જોવાલાયક સ્થળો અને મોટા પ્રોજેક્ટો તથા સંસ્થાઓની મુલાકાત કરાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર આ તમામ કાર્યક્રમોનું સુચારૂ અમલીકરણ થાય તે માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિયત આયોજન ઘડી કાઢવા પણ નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય વિભાગના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
Read Original Article →