આણંદમાં વસ્તીગણતરીનો એક્શન પ્લાન:તાલીમ શિબિરનો પ્રારંભ, પ્રથમ દિવસે 314 કર્મચારીઓ તાલીમ મેળવી

Gujarat5/12/2026, 10:49:34 AM
આણંદમાં વસ્તીગણતરીનો એક્શન પ્લાન:તાલીમ શિબિરનો પ્રારંભ, પ્રથમ દિવસે 314 કર્મચારીઓ તાલીમ મેળવી
ભારત સરકાર દ્વારા આયોજિત 'વસ્તીગણતરી-2027' ના પ્રથમ તબક્કા (મકાન યાદી અને ઘરગણતરી)ની કામગીરી આગામી જૂન માસમાં શરૂ થવાની છે. આ સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વસ્તીગણતરી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ વર્ગો 11 મે, 2026થી જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકાઓ ખાતે યોજાઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત તાલીમ કાર્યક્રમ મુજબ, આણંદ જિલ્લાના આઠેય તાલુકાઓ – આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ – તેમજ સંબંધિત નગરપાલિકાઓમાં નિયુક્ત નોડલ અધિકારીઓ અને ચાર્જ અધિકારીઓની દેખરેખ હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. આ કામગીરી માટે જિલ્લાના કુલ 58 કુશળ ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા 3184 ગણતરીદારો અને 488 સુપરવાઇઝરોને ડિજિટલ ગણતરી અને એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તાલીમના પ્રથમ દિવસે આણંદ (ગ્રામ્ય) વિસ્તારમાં 08 ફિલ્ડ ટ્રેનર અને 08 સહાયક ફિલ્ડ ટ્રેનરની નિગરાની હેઠળ 7 વર્ગો કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 314 કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ 258 ગણતરીદારો અને 56 સુપરવાઇઝરોએ વસ્તીગણતરીના ટેકનિકલ પાસાઓની વિસ્તૃત સમજ મેળવી હતી. જિલ્લામાં યોજાઈ રહેલી ત્રણ દિવસીય આ તાલીમ દરમિયાન એક વિશેષ પહેલ રૂપે, તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરો દ્વારા 'સેવા ભાવ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞા દ્વારા કર્મચારીઓએ રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરમાં પાયારૂપ એવી આ વસ્તીગણતરીની કામગીરીને પૂરી પારદર્શિતા, ચોકસાઈ અને સેવાકીય ભાવનાથી પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે. આગામી 1 જૂન, 2026થી શરૂ થનાર આ ગણતરીમાં દરેક ઘરની સચોટ વિગતો એકત્રિત થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નાગરિકોને પણ આ રાષ્ટ્રીય કાર્યમાં ગણતરીદારોને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →