અજગર-પોપટ સાથે વીડિયો વાઈરલ કરનાર ભુવો જેલમાં:વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી, કોર્ટે જામીન અરજી ફગાવી, 28મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરવું બોરસદ તાલુકાના કાંઘરોટી ગામના એક શખસને ભારે પડ્યું છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત અજગર અને વિદેશી મેકો પોપટ સાથે વીડિયો બનાવી વાઈરલ કરનાર સંજય ચુનારાની વન વિભાગે ધરપકડ કરી છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી તેને 28મી તારીખ સુધી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. સમગ્ર ઘટના શું છે ?
કાંઘરોટી ગામનો રહેવાસી સંજય ચુનારા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આવતા અજગર અને વિદેશી મેકો પોપટ સાથે કરતબ કરતો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. આ વીડિયોમાં તે પ્રતિબંધિત વન્યજીવો સાથે જોખમી પ્રદર્શન કરતો સ્પષ્ટપણે દેખાતો હતો. આ વીડિયો વન વિભાગના ધ્યાને આવતા અને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા વન વિભાગની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી હતી. કોર્ટની કાર્યવાહી અને જેલવાસ
વન વિભાગે વન્યજીવોને ગેરકાયદેસર રીતે કેદ કરવા અને તેમના પ્રદર્શન કરવા બદલ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના વકીલ દ્વારા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ વન્યજીવોની સુરક્ષા અને કાયદાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આરોપીને 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે, જેના પગલે વન વિભાગે તેને ખંભાતની જેલમાં ધકેલી દીધો છે. વન વિભાગની લાલબત્તી સમાન ચેતવણી
આ કિસ્સો સોશિયલ મીડિયા પર વન્યજીવો સાથે વીડિયો બનાવી સસ્તી લોકપ્રિયતા મેળવનારા લોકો માટે ચેતવણીરૂપ છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વન્યજીવ કે પક્ષીને પકડવું અથવા કેદમાં રાખવું ગુનો છે. પ્રતિબંધિત વન્યજીવો સાથે વીડિયો બનાવી પ્રદર્શન કરવું કાયદેસરની સજાને પાત્ર છે. આવા કૃત્યો બદલ જેલની સજા અને દંડ બંનેની જોગવાઈ છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્યજીવોના સંરક્ષણ માટે કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે.
Read Original Article →