તારાપુર પોલીસે ગુમ મહિલા, બે બાળકોને શોધ્યા:'ઓપરેશન મુસ્કાન' હેઠળ પરિવાર સાથે મિલન કરાવ્યું
ગુજરાત પોલીસના 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત તારાપુર પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં ગુમ થયેલી 30 વર્ષીય મહિલા અને તેમના બે સગીર બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાનપુર ગામે રહેતા નિતિનભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિની પત્ની તેજલબેન (ઉંમર 30) તેમના બે બાળકો સાથે 15 મે, 2026ના રોજ ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોની શોધખોળ બાદ કોઈ પત્તો ન મળતાં, 17 મે, 2026ના રોજ તારાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને આણંદના પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે વરસડા આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફને તપાસ તેજ કરવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આર્મડ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જીલુભાને તેમના બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે ગુમ થયેલ મહિલા અને બાળકો વટામણ-તારાપુર હાઈવે રોડ પર ફતેપુરા બ્રિજ પાસે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી તેજલબેન અને તેમના બંને બાળકોને સહીસલામત શોધી કાઢ્યા હતા. તેમને તારાપુર પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા. પરિવારે તારાપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. વાઘેલા, અ.હે.કો. ચેતનભાઈ ગોવિંદભાઈ, અ.પો.કો. રાજેન્દ્રસિંહ જીલુભા, અ.પો.કો. ભરતભાઈ વીઠ્ઠલભાઈ અને આ.પો.કો. ઝેનુલઆબેદન સોકતઅલી સામેલ હતા.
Read Original Article →