ઈંગ્લેન્ડની મેજર કબડ્ડી લીગમાં ચરોતરનો યુવાન જોડાયો:ખંભાતના જલુંધના શાહિલ ઠાકોરનો 6 મહિનાનો કરાર, ટીમમાં ઓલરાઉન્ડર જેવી લેફ્ટ કોર્નરની ભૂમિકા, અન્ય ભારતીયોને પણ જોડાવા આહ્વાન
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામના વતની શાહિલકુમાર રાયસંગભાઈ ઠાકોરની ઇંગ્લેન્ડ કબડ્ડી એસોસિએશન (EKA) અને મેજર કબડ્ડી લીગ (MKL) માટે સત્તાવાર ખેલાડી તરીકે પસંદગી થઈ છે. હાલ લંડનમાં રહેતા શાહિલકુમારે આ કરાર પર તાજેતરમાં હસ્તાક્ષર કર્યા છે. ત્યારે અન્ય ભારતીય ખેલાડીઓ સહિતને કબડ્ડી ટીમમાં જોડાવા માટે EKAએ આહ્વાન કર્યું છે. આ માટે તાજેતરમાં જ કરાર પર ચરોતરના ગૌરવવંતા ખેલાડીએ હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ તેઓ મેજર કબડ્ડી લીગમાં ભાગ લેશે અને લીગ તેમજ એસોસિએશન દ્વારા નિર્ધારિત નિયમો અને શરતોનું પાલન કરશે. 26 વર્ષીય કબડ્ડી ખેલાડી જલુંધનો વતની
પ્રાપ્ત માહિતી મુજબ શાહિલકુમાર ઠાકોરનો જન્મ ખંભાતના જલુંધ ગામમાં 14 ફેબ્રુઆરી, 2000નો થયેલો છે અને તેઓ ભારતીય નાગરિક છે. તેઓ હાલમાં લંડનમાં વસવાટ કરે છે. તેઓ સાથેનો આ કરાર 31 મે, 2026થી અમલમાં આવ્યો છે અને 30 નવેમ્બર, 2026 સુધી માન્ય રહેશે. રમતના નિયમો અને આચારસંહિતાનું પાલન
કરાર હેઠળ ખેલાડીએ લીગની તમામ મેચો, તાલીમ શિબિરો, પ્રચારાત્મક કાર્યક્રમો અને સત્તાવાર પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લેવાનો રહેશે. સાથે જ શારીરિક તંદુરસ્તી જાળવવી, ઇજાઓ અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાઓની જાણ કરવી તેમજ રમતના નિયમો અને આચારસંહિતાનું પાલન કરવું ફરજિયાત રહેશે. રમતવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક નિયમો
કરારમાં આરોગ્ય અને સલામતીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખેલાડીએ જરૂર પડે ત્યારે તબીબી તપાસ કરાવવાની રહેશે અને ઇજા થવા પર તાત્કાલિક જાણ કરી તબીબી સલાહનું પાલન કરવાનું રહેશે. ડોપિંગ, મેચ ફિક્સિંગ, સટ્ટાબાજી, ભેદભાવપૂર્ણ વર્તન, ગેરવર્તન અથવા રમતવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એસોસિએશનની પ્રચારની મંજૂરી
મીડિયા અને પ્રચાર સંબંધિત જોગવાઈઓ અનુસાર ખેલાડીએ પોતાના નામ, તસવીર અને ઓળખનો ઉપયોગ એસોસિએશનને પ્રચાર માટે કરવાની મંજૂરી આપી છે. જરૂર પડે ત્યારે મીડિયા કાર્યક્રમોમાં પણ હાજરી આપવાની રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભા બતાવી શકશે
કબડ્ડી ખેલાડી શાહિલ ઠાકોર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દર્શાવવાની મહત્વપૂર્ણ તક મળી છે. શાહિલકુમાર ઠાકોર "લેફ્ટ કોર્નર (ઓલરાઉન્ડર)" તરીકે ટીમ સાથે જોડાયા છે. આ કરાર તેમના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે અને ભારતીય કબડ્ડી માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.
Read Original Article →