પેટલાદ રૂરલ પોલીસે 6 ગાયની ચોરીના 4 આરોપી ઝડપ્યા:₹8.50 લાખનો મુદ્દામાલ જપ્ત, ખંભાતનો ગુનો પણ ઉકેલાયો
આણંદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધવા માટે પોલીસ અધિક્ષક જી.જી. જસાણી તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એચ. દેસાઈ અને તેમની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીની 6 ગાયો અને ગુનામાં વપરાયેલા વાહન સાથે ચાર રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે વિરસદ ગામે દરોડો
પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાયોની ચોરીના ગુના (ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2), (54) અનુસંધાને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિરસદ મુકામે રહેતા ભરતભાઈ રામાભાઈ તળપદા અને જગદિશભાઈ ઠાકોરભાઈ તળપદાના ઘરે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી તેમજ અન્ય આરોપીઓની પૂછપરછ કરીને કુલ 6 ચોરીની ગાયો રિકવર કરી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. ભરતભાઈ રામાભાઈ તળપદા (રહે. વિરસદ બાદશાહ પુરા, તા. બોરસદ, જી. આણંદ)
૨. મુકેશભાઈ રવિભાઈ તળપદા (રહે. શાહપુર ટેલરપુરા પાટીયા ફળીયુ, તા. પેટલાદ, જી. આણંદ)
૩. અર્જુનભાઈ રમેશભાઈ તળપદા (રહે. વડદલા કાશીપુરા, તા. પેટલાદ, જી. આણંદ)
૪. જગદિશભાઈ ઠાકોરભાઈ તળપદા (રહે. વિરસદ બીલેશ્વર મહાદેવ, તા. બોરસદ, જી. આણંદ) ખંભાત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ગાયોની ચોરી કર્યાની કબૂલાત
ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે આશરે એકાદ મહિના પહેલાં તેઓએ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ બે ગાયોની ચોરી કરી હતી, જે ગાયો પણ પોલીસે આરોપીઓના ઘરની પાછળથી શોધી કાઢી છે. આ સાથે જ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનનો ગુનો પણ ઉકેલાઈ ગયો છે. કુલ ₹8.50 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કામગીરી દરમિયાન ગુનામાં ચોરાયેલી ગાયો અને ચોરી કરવા માટે વપરાયેલું વાહન જપ્ત કર્યું છે.જેમાં 6 ગાયો જેની કિંમત રૂપિયા 3,50,000/-તેમજ ટાટા સુપર કેરી વાહન (રજી. નં. GJ-23-AW-8520) જેની કિંમત રૂપિયા 5,00,000/- (આ વાહન આરોપી જગદિશ તળપદા પાસેથી ધર્મજ ચોકડી પાસેથી ઝડપાયું હતું.) કુલ મુદ્દામાલ: ₹8,50,000/- જપ્ત કર્યું છે આ સફળ કામગીરી પેટલાદ રૂરલ પી.આઈ. એમ.એચ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ. સિસોદીયા, એએસઆઈ નયનભાઈ, કિરણભાઈ, અ.હે.કો. સન્નીભાઈ, વિજયસિંહ તથા પો.કો. રાજુભાઈ અને અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવી છે. હાલમાં તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલભેગા કરવાની તજવીજ શરૂ કરાઈ છે.
Read Original Article →