ગૌચર જમીન વિવાદે યુવક પર જીવલેણ હુમલો:ખંભાતના લુણેજ ગામે 6 શખ્સો સામે ગુનો નોંધાયો
ખંભાત તાલુકાના લુણેજ ગામે ગૌચર જમીનના જૂના વિવાદને કારણે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે ઇજાગ્રસ્ત કિરણભાઈ માંડાભાઈ ભરવાડે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં 6 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લુણેજ ગામના સીમ વિસ્તારમાં ગૌચર જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘટનાના દિવસે આજે સવારે આશરે સાડા દશેક વાગ્યે ફરિયાદી કિરણભાઈ, મનુભાઈ ભૂરાભાઈ ભરવાડ અને તેમના કુટુંબના સભ્યો વચ્ચે ગૌચર જમીન બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ફરિયાદી કિરણભાઈ પોણા અગિયાર વાગ્યાની આસપાસ બાઇક લઈને નવી આખોલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં ભરતભાઈ ગંધુભાઈ ભરવાડે ચાલુ બાઇકે લાકડી વડે તેમના ડાબા હાથની કોણીના ભાગે માર માર્યો હતો. કિરણભાઈ થોડા આગળ વધ્યા ત્યારે સામેથી મુકેશભાઈ ખીમાભાઈ ભરવાડ, અજયભાઈ ગનાભાઈ ભરવાડ અને નીતિન સગરામભાઈ ભરવાડ હાથમાં લાકડીઓ લઈને આવ્યા અને તેમને રોક્યા. આ શખ્સોએ કિરણભાઈને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. મારથી બચવા કિરણભાઈ બાઇક મૂકીને ભાગી ગયા, જ્યાં તેમનો મોબાઈલ પણ પડી ગયો હતો. થોડા આગળ જતાં તેમને મફાભાઈ સાજનભાઈ ભરવાડ અને ગનુભાઈએ ફરીથી રોક્યા. આ બંનેએ પણ કિરણભાઈને ગડદાપાટુનો અને લાકડીઓથી પીઠના ભાગે માર માર્યો હતો. હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યાંથી છટકીને કિરણભાઈ ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કેનેડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. સારવાર બાદ તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભરતભાઈ ગંધુભાઈ ભરવાડ, મુકેશભાઈ ખીમાભાઈ ભરવાડ, અજયભાઈ ગનાભાઈ ભરવાડ, નીતિનભાઈ સગરામભાઈ ભરવાડ, મફાભાઈ સાજનભાઈ ભરવાડ અને ગનુભાઈ ભુરાભાઈ ભરવાડ (તમામ રહે. લુણેજ, તા. ખંભાત, જિ. આણંદ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →