કેનેડામાં હત્યા, 23 દિવસે પાર્થિવદેહ બોરસદ પહોંચ્યો:વિધિ મેઘાને ભારે હૈયે અંતિમ વિદાય અપાઈ, પરિવાર સાથે પંથક શોકમગ્ન; નિયાગ્રામાં સ્ટડી અને નોકરી કરતી'તી
ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે કેનેડા ગયેલી બોરસદની વિધિ મેઘાની હત્યા થઈ હતી. હત્યાના બનાવે સમગ્ર ચરોતર પંથકને હચમચાવી દીધું છે. ઘટનાના 23 દિવસ બાદ વિધિનો પાર્થિવ દેહ વતન બોરસદ પહોંચતા પરિવારજનો સહિત સમગ્ર શહેરમાં ભારે ગમગીની અને શોકનું વાતાવરણ હતું. ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે વિદેશ ગયેલી યુવતીનું આ રીતે અકાળ અને દુઃખદ અવસાન થતાં સ્થાનિકોમાં ભારે વ્યથા જોવા મળી રહી છે. 23 દિવસ જેટલો ગાળો મૃતદેહને વતન લાવવા માટેની કાનૂની અને વહીવટી પ્રકિયામાંથી પસાર થવાના કારણે થયો હતો. લાંબી વહીવટી પ્રક્રિયા બાદ દેહ ભારત લવાયો
વિધિ મેઘા કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી હતી, જ્યાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તેની હત્યા કરવામાં આવી હતી. આ અણધારી આફતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દીકરીના મૃતદેહને ભારત લાવવા માટે પરિવારને લાંબી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો. સતત પ્રયાસો અને સંબંધિત સરકારી તંત્રના સહયોગથી આખરે 23 દિવસ બાદ વિધિનો પાર્થિવ દેહ ભારત લાવી શકાયો હતો. અંતિમ દર્શનમાં જનમેદની ઉમટી પડી
પાર્થિવ દેહ બોરસદ ખાતે લાવવામાં આવ્યા બાદ તેને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં નાગરિકો, મિત્રો, સગાંસંબંધીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. માતા-પિતાએ ભારે હૈયે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સમગ્ર વાતાવરણ કરુણતાથી ભરાઈ ગયું હતું. રાજકીય અને સામાજિક આગેવાનોએ સાંત્વના આપી
વિધિની અંતિમયાત્રામાં આણંદના સાંસદ મિતેશ પટેલ સહિત વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ શહેરના અગ્રણી નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિધિને પુષ્પાંજલિ અર્પણ કરી શોકગ્રસ્ત પરિવારને આ કપરા સમયમાં સાંત્વના પાઠવી હતી. કેનેડા સરકાર પાસે જવાબદારો સામે કાર્યવાહીની માગ
આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ઊંડી વ્યથા સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ કેનેડા સરકાર અને સંબંધિત સત્તાધીશો સમક્ષ આ ઘટનાની નિષ્પક્ષ તેમજ ઝડપી તપાસ કરી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 15 મેએ ઘર બહાર નીકળતા હત્યા કરાઈ
બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લો (કાયદા)નો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે પીઆર (PR)ની તૈયારી પણ કરી રહી હતી. માહિતી મુજબ, 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. હુમલાખોરે ધોળાદિવસે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. પૈસાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. (સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) પોલીસે એક આરોપીની ધરપકડ કરી
ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ દર્દનાક ઘટનાના સમાચાર સામે આવતા જ બોરસદ અને આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી હત્યા પાછળનું અસલી કારણ સામે આવી શક્યું નથી.
અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી વિધિ
આંખોમાં સોનેરી સપના સજાવીને વિધિ 4 વર્ષ પહેલાં કેનેડા ભણવા માટે ગઈ હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ-ટાઇમ જોબ કરીને પોતાના પગભર થઈ રહી હતી. આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તે કેનેડાના હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી. ગત 14 મેના રોજ જ તેણે પોતાના પિતા સાથે ફોન પર ખૂબ જ ખુશ થતાં-થતાં પીઆર માટે એપ્લાય કરવાની વાત કરી હતી. પરિવાર દર 10 દિવસે ફોન પર અને રોજ મેસેજથી વિધિ સાથે વાત કરતો હતો, પરંતુ 15 મે પછી વિધિને મોકલેલા મેસેજ ક્યારેય ડિલિવર થયા ન હતા. પરિવાર દીકરીના સંપર્ક ન થવાને કારણે ચિંતિત હતો, પરંતુ તેમને અંદાજ ન હતો કે તેમની દીકરી હવે આ દુનિયામાં રહી નથી. બોરસદ ખાતે આવેલા વિધિના ઘરે ભારે માતમ છવાયો
વિધિનો આખો પરિવાર બોરસદમાં રહે છે. બોરસદ ખાતે આવેલા વિધિના ઘરે ભારે માતમ છવાયેલો છે. દીકરીના અકાળે અવસાનથી વિધિની માતા ભાન ભૂલી ચૂકી છે અને હોશમાં આવતા જ તે રડી-રડીને કહી રહી છે કે, દીકરીને કેટલાય લાડકોડથી મોટી કરી હતી અને આજે તેનું મોઢું જોવાનું પણ નસીબ થઈ રહ્યું નથી. વિધિના માસી અને અન્ય પરિવારજનોએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે, તેમની દીકરીનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં આવે જેથી તેઓ તેના અંતિમ દર્શન કરી શકે. ‘14 તારીખે એની સાથે વાત થઈ અને 15મીએ બનાવ બન્યો’
15 મેએ યુવતીના પિતા કલ્પેશ મેઘાએ જણાવ્યું કે, મને કાલે પોલીસ સ્ટેશનથી ખબર પડી. જે બાદ મેં એમની પાસેથી ઓફિશિયલ મેઈલ મંગાવ્યો હતો. જે બાદ ત્યાં પ્રોસીજર ચાલુ કરી. મારી દીકરી સાથે 14 તારીખે છેલ્લે વાત થઈ હતી. એણે મને કહ્યું હતું કે, ' પપ્પા હવે મારે વર્ક પરમિટ એપ્લાય કરવાની થઈ ગઈ છે, તો હું કરીશ.' જેથી મેં કહ્યું હતું કે,'સારું, વેલ એન્ડ ગુડ.' એનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો એટલે વર્ક પરમિટ એપ્લાય કરવાની હતી. જે બાદ 15મીએ આ બનાવ બન્યો. ‘15 દિવસ પહેલાં જ ઘર બદલાવ્યું હતું’
વધુમાં જણાવ્યું કે, મને કાલે ખબર પડી કે એ ઘટનાસ્થળે હતી, ત્યાં એના પર પૈસા માટે ઓચિંતો હુમલો થયો હતો. તો એણે સામે બચવાનો પ્રયાસ કર્યો હતો. પણ બચી શકી ન હતી. આરોપી ડ્રગીસ્ટ છે અને એણે આગળ એક મર્ડર પણ કર્યું છે. આરોપી હાલ પકડાઈ ગયો છે, અત્યારે કસ્ટડીમાં છે. મારી દીકરી વિધિ ત્યાં નાયગ્રામાં સેન્ટ કેથરીન એરિયામાં રહેતી હતી. એણે 15 દિવસ પહેલાં જ ઘર બદલાવ્યું હતું. પહેલાં એ હેમિલ્ટનમાં રહેતી હતી સરકાર પાસેથી મારી એ જ અપેક્ષા કે, આવું વારંવાર થયા કરે છે, ખાસ કરીને ગુજરાતી હોય કે ઈન્ડિયન ગમે તે હોય, છોકરીઓ પર હુમલા થાય છે, છોકરાઓ પર હુમલા થાય છે, તો આ બધી વસ્તુની એ પ્રોટેક્શન આપે.
Read Original Article →