આણંદ જિલ્લા પંચાયતમાં બહુમતી ભાજપની, પ્રમુખ કોંગ્રેસના!:અન્ય રાજ્યના જાતિ પ્રમાણપત્રના કારણે DDOએ BJPના મયુરીબેનનું ફોર્મ રદ કર્યુ; INCના ગૌરીબેન બિનહરીફ બનશે
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપે પ્રમુખ પદ ગુમાવવું પડ્યું છે. ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થશે. અન્ય રાજ્યના જાતિ પ્રમાણપત્રના કારણે જિલ્લા વિકાસ અધિકારી (DDO)એ ફોર્મ રદ કર્યુ હતું. જેને પગલે લઘુમતીમાં રહેલી કોંગ્રેસને પ્રમુખ પદનું બોનસ મળ્યું હતું.
આ પણ વાંચો, મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ બન્યાં! અન્ય રાજ્યના જાતિ પ્રમાણપત્રના કારણે ફોર્મ રદ
સારસાની જનરલ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના એસ.ટી. (ST) ઉમેદવાર મયુરીબેન પટેલ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેમણે પ્રમુખ પદ માટે ફોર્મ ભરતી વખતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલું જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર, અન્ય રાજ્યનું જાતિ પ્રમાણપત્ર માન્ય ગણાતું ન હોવાથી આ વિવાદ ઊભો થયો હતો. પ્રમુખ પદ ST અનામત માટે હતું
આણંદ જિલ્લા ડીડીઓ દુવાહૂતીએ જણાવ્યું હતું કે, આજે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નોમિનેશન પેપર્સની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ માટે આવેલા બે ફોર્મમાંથી ગૌરીબેન શંભુભાઈ તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે, જ્યારે મયુરી નિકિત પટેલનું ફોર્મ અમાન્ય કરાયું છે. પ્રમુખની બેઠક એસટી (ST) કેટેગરી માટે અનામત છે, અને નિયમ મુજબ જે જરૂરી એસટીના દસ્તાવેજો હોવા જોઈએ તે ફોર્મ સાથે સામેલ ન હોવાથી મયુરીબેનનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે જીલુભાઇ પરબતસિંગ સિંગાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. ભાજપ ઉમેદવારે ખોટા આદિવાસી સર્ટિ રજૂ કર્યાનો આરોપ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સત્યમેવ જયતે, આખરે સત્યનો વિજય થયો છે! આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી મહિલા માટે અનામત હતી, જેના પર કોંગ્રેસ તરફથી ગૌરીબેન તડવી ચૂંટાયેલાં હતાં. ભાજપના ઉમેદવારે ખોટા આદિવાસી સર્ટિફિકેટના આધારે દાવો કર્યો હતો. અમે પહેલાં પણ ચૂંટણી પંચ, કલેક્ટર અને આદિવાસી કમિશનરને આ અંગે જાણ કરી હતી. ભાજપના ઉમેદવાર ગુજરાતના વતની નથી, તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે, જેથી તેમને કોઈ સંજોગોમાં આદિવાસીનું સર્ટિફિકેટ મળી શકે જ નહીં. બંને પક્ષના વકીલો દ્વારા કાયદાકીય દલીલો
આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના વકીલો દ્વારા કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની રજૂઆતો અને પ્રવર્તમાન નિયમોની ચકાસણી કર્યા બાદ, DDO દ્વારા ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવાનો આદેશ જારી કરાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થશે
બીજી તરફ, હાડગુડની આદિવાસી અનામત બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ સંપૂર્ણપણે માન્ય રાખવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં હવે ચૂંટણી મેદાનમાં એકમાત્ર ઉમેદવાર ગૌરીબેન તડવી જ બાકી રહ્યા છે, જેથી તેમને આગામી સમયમાં સત્તાવાર રીતે પ્રમુખ પદ પર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. આણંદ જિલ્લા પંચાયતનું પક્ષીય ગણિત કોંગ્રેસ 7 બેઠક જીતી
જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી હતી. આમ છતાં, ફોર્મ ભરવામાં થયેલી વહીવટી ખામી અને ટેકનિકલ ચૂક ના કારણે બહુમતી હોવા છતાં ભાજપે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ગુમાવ્યું છે. આ ઘટના ભાજપ માટે મોટો રાજકીય ફટકો અને કોંગ્રેસ માટે અણધારી જીત સમાન સાબિત થઈ છે. મોરબી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના પ્રમુખ, ભાજપની બહુમતી
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, 23મી મેએ પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. રોટેશન મુજબ પ્રથમ 2.5 વર્ષ માટે આ પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું, જેના કારણે આ રસપ્રદ રાજકીય સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 17 અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત હોવાથી, સામાન્ય ચૂંટણીમાં ભાજપના અનામત બેઠકના ઉમેદવારનો પરાજય થયો હતો. બીજી તરફ, નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબારિયા વિજેતા બન્યા હતા. સમગ્ર ગૃહમાં અનામત વર્ગના તેઓ એકમાત્ર વિજેતા મહિલા ઉમેદવાર હોવાથી, પ્રમુખ પદ માટે માત્ર ગીતાબેન દુબારિયાએ જ ઉમેદવારી નોંધાવી હતી. સામે પક્ષે ભાજપ પાસે કોઈ લાયક ઉમેદવાર ન હોવાથી અન્ય કોઈ ફોર્મ ભરાયું ન હતું. પરિણામે, તેમને બિનહરીફ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
Read Original Article →