આણંદમાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન શરૂ:પ્રથમ દિવસે રક્તપિત્તના 3 કેસ મળ્યા, 390 વ્યક્તિઓ રક્તપિત્તના શંકાસ્પદ કેસ
આણંદ જિલ્લામાં રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગથી નાગરિકોને સુરક્ષિત કરવા અને સમયસર સારવાર પૂરી પાડવાના ઉમદા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 'લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 18 જૂન સુધી ચાલશે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીની દેખરેખ હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્તના દર્દીઓને વહેલી તકે શોધી કાઢી તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો છે. અભિયાનના પ્રથમ દિવસે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 34,224 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 1,47,228 લોકોની તપાસણી કરવામાં આવી. આ તપાસણી દરમિયાન 390 વ્યક્તિઓ રક્તપિત્તના શંકાસ્પદ કેસ તરીકે મળી આવ્યા હતા. ઝીણવટભરી તપાસ બાદ તેમાંથી 03 કેસ રક્તપિત્તના કન્ફર્મ થયા હતા, અને તેમને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. આ માહિતી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પરમારે આપી હતી. આ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના 183 ગામોમાં કુલ 2,59,269 ઘરોની મુલાકાત 1188 ટીમો દ્વારા લેવામાં આવશે. આ ટીમો દ્વારા અંદાજિત 13,04,803 નાગરિકોની તપાસણી કરવામાં આવશે. જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાયના દિવસોમાં આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની બનેલી આ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. ઝુંબેશ દરમિયાન, ટીમો સ્થાનિક લોકોને રક્તપિત્તના લક્ષણો વિશે માહિતગાર કરી વ્યાપક જનજાગૃતિ ફેલાવશે. જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે, તો આરોગ્ય ટીમ દ્વારા તેમને ત્વરિત મફત નિદાન અને સચોટ સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ આણંદ અથવા સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે રિફર કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સર્વેક્ષણ કામગીરીમાં આરોગ્ય વિભાગની ટીમોને પૂરતો સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી રક્તપિત્ત જેવી ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં જ અટકાવી શકાય.
Read Original Article →