આણંદમાં ફૂડ સેફ્ટી વિભાગે 93 ખાદ્ય નમૂના લીધા:ઉનાળામાં સ્વાસ્થ્ય સુરક્ષા માટે સઘન તપાસ, બિનઆરોગ્યપ્રદ જથ્થો નાશ કરાયો
આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઠંડા પીણાં, બરફ અને અન્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ આકસ્મિક તપાસ ઝુંબેશ દરમિયાન, ફૂડ સેફ્ટી વિભાગની ટીમે આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએથી કુલ 93 શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લીધા છે. આ નમૂનાઓમાં બરફ ગોળા, બરફ અને શેરડીના રસના 17, સ્પાઈસીસ પ્રોડક્ટના 31, ઘીનો 1, દૂધ અને દૂધની બનાવટોના 2, તેમજ ખાદ્યતેલના 3 નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રિપેડ ફૂડ, મેંગો મિલ્ક શેક, કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, શ્રીખંડ અને મઠ્ઠા જેવી અન્ય ખાદ્યચીજોના નમૂના પણ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નમૂના લેવાની પ્રક્રિયાની સાથે, 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' વાન દ્વારા આણંદ અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સઘન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવમાં ખાસ કરીને પાણીપુરી બનાવતા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ (લારીઓ) પર વ્યાપક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, તમામ લારીવાળાઓ અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને ફરજિયાત એપ્રોન, કેપ અને ગ્લોવ્ઝ પહેરવા તેમજ નિયમિત સાફ-સફાઈ રાખવા કડક તાકીદ કરવામાં આવી છે. આ તપાસમાં માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવો બિનઆરોગ્યપ્રદ અને કલરયુક્ત ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે કે 10 લીટર કલરવાળી ચાસણી, 4 કિલોગ્રામ પકોડીનો માવો, 3 લીટર પાણીપુરીનું કલરયુક્ત પાણી અને 5 લીટર શંકાસ્પદ કુકિંગ ઓઈલનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
Read Original Article →